ગુજરાતદક્ષિણ ગુજરાત

ભરૂચમાં ચાર દિવસથી રસ્તાઓ પર અંધકાર, વીજકંપનીએ સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાંખ્યુ

Text To Speech

ભરૂચ, 14 ડિસેમ્બર 2023, નગરપાલિકા દ્વારા વીજકંપની DGVCLનું સાડા સાત કરોડ રૂપિયાનું બાકી વીજબીલ નહીં ભરતા વીજકંપનીએ શહેરની 2000 જેટલી સ્ટ્રીટ લાઈટનું કનેકશન કાપી નાંખતા અંધારપટ છવાઈ ગયો છે. શહેરમાં અંધારપટ છવાયાનો આજે ચોથો દિવસ છે. શહેરીજનો વેરો ભર્યા બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ સહન કરી રહ્યા છે. નગરપાલિકાના સત્તાધીશો ગાંધીનગરથી આ સમસ્યા ઉકેલાય તેની રાહ જોઈને બેઠા છે.

2000 જેટલી સ્ટ્રીટ લાઈટનું વીજ કનેકશન કાપી નાખ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચ પાલિકાની સ્ટ્રીટ લાઈટનું વીજ કનેકશન કપાયું હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ વખતે પાલિકાએ સાડા સાત કરોડ રૂપિયાનું બાકી વીજબીલ નહીં ચૂકવતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 2000 જેટલી સ્ટ્રીટ લાઈટનું વીજ કનેકશન કાપી નાખ્યું છે. જેથી ચાર દિવસથી શહેરના રસ્તાઓ પર અંધારપટ છવાઈ ગયો છે.સ્ટ્રીટ લાઈટના બિલની બાકી રકમ તો લાખોમાં છે જે ભરવા માટે તો પાલિકા પણ તૈયાર છે. પરંતુ વોટર વર્કસની બાકી રકમ કરોડોમાં હોવાથી પાલિકા ભરી શકે તેમ નથી તેવું પાલિકાના સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

સરકારની વીજ બિલ માફી પ્રોત્સાહન યોજના પર આશા
ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ અને ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મીડિયાને જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટના નાણાં તો રેગ્યુલર ભરાઈ ગયા છે. જોકે વોટર વર્ક્સના 7.50 કરોડનું ચુકવણું થઈ શક્યું નથી. જેમાં સરકારની વીજ બિલ માફી પ્રોત્સાહન યોજના પર આશા રખાઇ રહી છે. સરકાર લોન આપી હપ્તા કરી આપે તો આ સમસ્યાનું કાયમી સમાધાન આવવા સાથે નગરમાં ફરી ક્યારેય અંધારપટ નહીં છવાય. ઉપરાંત ભાજપનાં ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ પણ આ બાબતમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી રહ્યા હોવાનું પાલિકા પ્રમુખનું કહેવું છે.

આ પણ વાંચોઃરાજય સરકારે ગાંધીનગર, સુરત અને વડોદરા મહાનગરપાલિકાને વિકાસ કામો માટે 484 કરોડ ફાળવ્યા

Back to top button