દાંતીવાડામાં આઠ કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. નદી- નાળા પણ ઉભરાઈ ગયા છે. અને ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે બુધવારે 17 તારીખના સવારે 6:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી એટલે કે આઠ કલાકમાં સૌથી વધુ વરસાદ 7 ઇંચ જેટલો દાંતીવાડા તાલુકામાં નોંધાયો છે.
જયારે પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદ તો ડીસામાં 3 ઇંચ વરસાદ નોંધાવવા પામ્યો છે. જ્યારે બાકીના અમીરગઢ, કાંકરેજ, થરાદ, દાંતા, દિયોદર, ધાનેરા, ભાભર, લાખણી, વડગામ, વાવ અને સુઈગામ તાલુકામાં એક થી માંડીને અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે.
જાણો ! બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમની તાજા સ્થિતિ છે
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા દાંતીવાડા ડેમમાં રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે અમીરગઢ અને ઇકબાલગઢ નજીકથી વહેતી બનાસ નદી બે કાંઠે થઈ છે. જ્યારે વિશ્વેશ્વર પાસે આ નદીના નીર મહાદેવના મંદિરના દ્વાર સુધી પહોંચ્યા છે. આમ નદીમાં થઈ રહેલ પાણીની આવકના પગલે દાંતીવાડા ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી છે. અને ડેમનું જળસ્તર પણ વધવા પામે છે.
ત્યારે સાંજે 4 વાગ્યા સુધીમાં દાંતીવાડા ડેમની પાણીની સપાટી 582 ફૂટે પહોંચી છે. જ્યારે 55,993 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. આ ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. ત્યારે સીપુ ડેમમાં 2766 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 170.80 ફૂટે પહોંચી છે. સીપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ છે. જ્યારે વડગામના મોકેશ્વર ડેમમાં 1149 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 641.31 ફૂટે પહોંચી છે. આ ડેમની ભયજનક સપાટી 661.58 ફૂટ છે. હજુ પણ ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો આ ત્રણેય ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થવાની સંભાવના છે.