ઉત્તર ગુજરાતગુજરાત

દાંતીવાડાઃ ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવ યોજાયો

  • સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારી ખેલાડીઓએ તમામ રમતોમાં મેદાન માર્યુ

પાલનપુર 5 ફેબ્રુઆરી 2024 : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ખાતે ગત તારીખ 27 થી 29જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ ક્રિકેટ, બેડમિંટન, ટેબલ ટેનીસ, ચેસ અને વોલીબોલ રમત – ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની કુલ 15 યુનિવર્સિટીઓના કુલ 365 કર્મચારી ખેલાડીઓએ ભાગ લીધો હતો. સતત ત્રણ દિવસ રમાયેલી વિવિધ રમતોમાં વિજેતા ટીમોને યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભાગ લેનાર યુનિવર્સિટીના પ્રતિનિધિઓના પ્રતિભાવોમાં તેઓએ જણાવ્યું હતું કે, આ આયોજન અત્યાર સુધીનું સર્વ શ્રેષ્ઠ આયોજન છે. જે માટે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણ અને સમગ્ર ટીમને બિરદાવી તેમનો આભાર વ્યકત કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા સદર સ્પર્ધાઓનું સૌ પ્રથમવાર યુનિવર્સિટીની યુટયુબ ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ કરી એક અલગ જ શરુઆત કરવામાં આવી હતી.

આ સમગ્ર સ્પર્ધાઓમાં ક્રિકેટ, વોલીબોલમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રથમ અને કામધેનુ યુનિવર્સિટી દ્વિતીય સ્થાને રહેલા તેમજ બેડમિન્ટન રમતમાં પણ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રથમ અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વિતીય સ્થાન તેમજ ચેસમાં ગુજરાત યુનિવર્સિટી પ્રથમ અને સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી દ્વિતીય સ્થાને તેમજ ટેબલ ટેનીસમાં પણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ અને કામધેનુ યુનિવર્સિટી દ્વિતીય સ્થાને રહી હતી. આમ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ત્રણ રમતમાં પ્રથમ અને એક રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું હતું.

આ પ્રસંગે અમરજિત સિંઘ, ડેપ્યુટી કમાન્ડ, બીએસએફ-21 બટાલીયન તથા યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. સી. એમ. મુરલીધરન, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એ. જી. પટેલ, કુલસચિવ, ડૉ. પી. ટી. પટેલ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે. પી. ઠાકર, સ્ટાફ ક્લબના પ્રમુખ ડૉ. એસ. આર. વ્યાસ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

આ તમામ સ્પર્ધાઓના સફળ આયોજન માટે યુનિવર્સિટીના કુલપતી અને તમામ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નિયામક વિદ્યાર્થી કલ્યાણ અને તેમની સમગ્ર ટીમ, સ્ટાફ ક્લબના પ્રમુખ, તમામ સમિતિઓના કન્વિનરઓ અને સભ્યઓ અને સ્વયમસેવક વિદ્યાર્થીઓએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી સમગ્ર સ્પર્ધાઓનુ સુંદર આયોજન કર્યું હતું.

આ પણ વાંચો : જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી અઝહરીને ATS હેડક્વાર્ટર લવાયો

Back to top button