દાંતીવાડા ડેમમાં 6 હજાર ક્યૂસેક પાણીની આવક, ડેમની સપાટી 563 ફૂટ પહોંચી
પાલનપુર:બનાસકાંઠા જિલ્લાના ત્રણ મુખ્ય જળાશયોમાં દાંતીવાડા, સિપુ અને મોકેશ્વર ડેમનો સમાવેશ થાય છે. જિલ્લામાં આ ત્રણેય જળાશયમાં કોઇ નોધપાત્ર પાણીની આવક થઈ નથી. રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા વરસાદથી અમીરગઢ પાસેની બનાસ નદીમાં પાણી આવ્યું હતું. જે પાણી દાંતીવાડા ડેમમાં આવે છે. જેમાં શનિવારે બપોરે 12:00 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 563.15 ફૂટ પહોંચી છે. જ્યારે ઉપરવાસમાંથી 6150 ક્યુસેક પાણીની આવક આ ડેમમાં થઈ રહી છે. ટકાવારીની રીતે જોઈએ તો માત્ર 15.41% પાણીનો જથ્થો આ ડેમમાં છે.
જ્યારે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. એટલે રાજસ્થાનમાં જો સારો વરસાદ થાય તો દાંતીવાડા ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થાય અને ડેમ ભરાય તો જ સિંચાઈ માટે ખેડૂતોને આગામી સિઝનમાં પાણી આપી શકાય. જ્યારે સિપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ છે. જેની સામે હાલમાં 550.26 ફુટ પાણી છે. જ્યારે મોકેશ્વર ડેમની ભયજનક સપાટી 661.58 ફૂટ છે. હાલમાં તેની સપાટી 625.06 ફુટ છે. આ બન્ને ડેમમાં અત્યારે પાણી કોઈ નોંધપાત્ર આવક થઈ નથી. આમ ત્રણેય ડેમ ખાલી જેવાજ કહી શકાય. જો આ ડેમ ભરાય તો જ આગામી રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કામમાં આવી શકે.
તેમજ ડેમ ખાલી રહે તો શિયાળો અને ઉનાળાના સમયમાં આ ડેમ ઉપર આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતા પીવાના પાણી માટે પણ સમસ્યા ઉદભવી શકે છે.
કયા ડેમમાં કેટલું પાણી
દાંતીવાડા ડેમ : 15.41%
સિપુ ડેમ. : 0039%
મુક્તેશ્વર ડેમ : 03.38%