આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ કમસ કસી લીધી છે. ભાજપ હોય કે, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. આ વચ્ચે હવે ભાજપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક બાદ એક નેતા દિલ્હીથી ગુજરાત આવી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલથી લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર ગૌરવ વલ્લભ હાલમાં ગુજરાતમાં છે. તો બીજી તરફ સુબીર તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત ૧૩ સભ્યોએ એક સાથે રાજીનામુ આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ સુબીર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશ ભોયે સહિત અન્ય ૧૩ સભ્યોએ રાજીનામુ આપી દીધુ છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત અન્ય ૧૩ સભ્યોના રાજીનામાથી ડાંગ જીલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.એક સાથે રાજીનામું ધરી દેતા ભાજપમાં રહેલો આંતરિક જૂથવાદ હવે બહાર આવ્યો છે. પાર્ટીના આદેશ અનુસાર કામ કરવા છતાં સન્માન ન જળવાતા સ્વૈચ્છીક રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.
તો થોડા દિવસ પહેલા જ બનાસકાંઠા જિલ્લામાંથી ડીવાયએસપી પદેથી દસ દિવસ પહેલા જ નિવૃત્ત થયેલા પોલીસ અધિકારી આર. કે. પટેલે પણ ‘આપ’ પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. જેમને ગોપાલ ઇટાલીયા એ પાર્ટીનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આર.કે. પટેલ બનાસકાંઠા જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચમાં અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ તેઓને ડીવાયએસપીનું પ્રમોશન મળ્યું હતું. અને બનાસકાંઠા એસપી ઓફિસમાં એડમીન ડીવાયએસપી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા. આ પદ ઉપરથી તેઓ નિવૃત્ત થયા હતા.
આ પણ વાંચો : ‘મસૂદ અઝહરની ધરપકડ કરો’, SCO સમિટ પહેલા પાકિસ્તાનનો પેંતરો