ડાંગ : ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ, જિલ્લા ભાજપ પ્રમુખે ધરી દીધું રાજીનામું
દક્ષિણ ગુજરાત એ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ મનાય છે. ત્યારે હવે સીઆર પાટીલના ગઢમાં ગાબડુ પડ્યું છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ હોવાની જાણવા મળી રહ્યું છે. તેઓએ પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને પત્ર લખી ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે.’ અને નીચે તેમની સહી છે.
સંગઠનમાં આંતરિક ખેંચતાણને કારણે રાજીનામુ
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી. ત્યારે આ વચ્ચે જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડતા ડાંગનું રાજકારણ ગરમાયું છે.ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણને લઈ ડાંગ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું હોવાનું કહેવામા આવી રહ્યું છે. ત્યારે આ કારણે આગામી દિવસોમાં વધુ ઘણા લોકો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે તેમ છે.
ભાજપના સંગઠનમાં ફેરફાર
છેલ્લા કેટલાક સમયથી ભાજપ તેના સંગઠનમાં ફેરફાર કરી રહ્યું છે. અગાઉ થોડા જ મહિનામાં અંદાજે 9 થી વધુ શહેર કે જિલ્લાના પ્રમુખની બદલી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, દ્વારકા, ખેડા, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર અને જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મહેસાણા શહેરના પ્રમુખોના રાજીનામા લેવામાં આવ્યા છે. ત્યારે હવે ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણને લઈને ભાજપના કેટલાક હોદ્દેદારો રાજીનામા આપી રહ્યા છે.
આ પણ વાંચો : વડોદરા : ઉશ્કેરણીજનક ઉચ્ચારણ બદલ VHPના સહમંત્રી રોહન શાહની ધરપકડ, જાણો શું કહ્યું હતુ