ભાજપે વધુ એક પ્રદેશ મહામંત્રીને કર્યા તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ
દિવ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દેવાયા આવ્યા છે. આ નિર્ણય કેમ કરવામાં આવ્યો છે તે અંગે સત્તાવાર કોઈ જ માહિતી પાર્ટી તરફથી આપવામાં આવી નથી.
પાર્ટીએ પોતાના લેડરહેડ પર પ્રદેશ મહામંત્રી મનીષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરવા અને તેમની જગ્યાએ સુનીલ પાટિલને નિયુક્ત કર્યાની જાણકારી આપી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પ્રદિપ સિંહ વાઘેલાના રાજીનામાએ અનેક તર્ક-વિતર્ક ઉભા કર્યા હતા.
સત્તાધારી પક્ષના ચાર મહામંત્રીઓ પૈકીના એક વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું ભાજપના પ્રદેશ એક નેતાએ શનિવારે જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગુજરાતના વરિષ્ઠ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ રવિવારે કહ્યું કે, તેમણે પાર્ટીના મહાસચિવનું પદ એટલા માટે છોડી દીધું છે કારણ કે છેલ્લા બે વર્ષથી તેમની છબી ખરાબ કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે અને તેઓ સ્વચ્છ સાબિત કરવા માગે છે.
ગુજરાતમાં ભાજપના ચાર મહામંત્રીઓમાંના એક પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ભાજપના ગુજરાત એકમના વડા અને સાંસદ સીઆર પાટીલ વિરુદ્ધ અપમાનજનક પત્રો ફરતા કરવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવ્યાના દિવસો બાદ પ્રદીપસિંહ વાઘેલાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.
હવે દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરવામાં આવતા એક વખત ફરીથી માહોલ ગરમાયો છે.