અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

મેવાણી હાય-હાયના સૂત્રો સાથે મહિસાગરમાં જિગ્નેશ મેવાણી વિરુદ્ધ દલિતોની મહારેલી

મહીસાગર, 30 નવેમ્બર, 2024: વિરોધી રાજકારણીઓ, અધિકારીઓ તેમજ પોલીસ વિશે બેફામ ઉચ્ચારણો કરીને સતત વિવાદમાં રહેવા ટેવાયેલા જિગ્નેશ મેવાણી સામે હવે ઠેરઠેર દલિતોએ જ મોરચો માંડી દીધો છે. કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (Jignesh Mevani) સામે દલિત સમાજે જ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં દલિત સમાજનાં લોકોએ રેલીઓ કાઢી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી. બાલાસિનોર દલિત સમાજે આરોપ લગાવતા કહ્યું હતું કે, જિગ્નેશ મેવાણી વિકૃત માનસિકતા ધરાવતા ધારાસભ્ય છે. અહીં ખાસ નોંધપાત્ર છે કે થોડા સમય પહેલાં પણ દલિત મહિલાઓ તેમજ અન્ય સમાજના લોકોએ મેવાણી દ્વારા તેમને ધાકધમકી આપવામાં આવતી હોવાનો તેમની કામગીરીમાં અવરોધ ઊભા કરવામાં આવતો હોવાની રજૂઆત કરી હતી. (અહીં વાંચો એ અહેવાલ – MLA જીગ્નેશ મેવાણી અને તેના મળતીયાઓ સામે ત્રાસ આપવાની ફરિયાદ

દલિત સમાજનો આરોપ છે કે, મેવાણી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા છે. ખોટા મેસેજો કરીને સમાજમાં ભેદભાવ ઉત્પન્ન કરતા હોવાનો આક્ષેપ પણ ધારાસભ્ય વિરુદ્ધ થયો છે. બાલાસિનોર દલિત સમાજે કહ્યું કે મેવાણી વિકૃત માનસિકતા ધરાવતા ધારાસભ્ય છે. તે કેટલાક અધિકારીઓ સાથે ખરાબ વર્તન કરે છે. દલિત સમાજના જ લોકો દ્વારા મેવાણી વિરુદ્ધ આવેદનપત્રો આપવામાં આવતાં હવે મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ચિંતા વધી છે. તેનું કારણ એ છે કે આ રીતે મેવાણીનો વિરોધ વધતા કોંગ્રેસને નુકસાન થઈ શકે એવું પક્ષના વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. આ જ કારણે આગામી 6 ડિસેમ્બરે ચૈતર વસાવા અંનત પટેલ અને ગુલાબસિંહ ચૌહાણના નેતૃત્વમાં રાખવામાં આવેલા કાર્યક્રમનો ફિયાસ્કો થાય તેવા પણ એંધાણ છે.

વિરોધ- HDNews

સરકારી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો તેમજ પાયા વિનાના આક્ષેપો દ્વારા દલિતોના જ એક વર્ગને ઉશ્કેરવાના મેવાણીના પ્રયાસોને કારણે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળે છે. તેથી જ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં દલિત સમાજે રેલીઓ કાઢી વિરોધ દર્શાવ્યો હતો. અહેવાલ અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, વીરપુર અને બાલાસિનોર તાલુકામાં SC, ST અને OBC સમાજના નાગરિકો દ્વારા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માગ સાથે રેલીઓ કાઢી મામલતદારને આવેદન પત્રો આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાએ ચૂંટણીપંચ વિશે કહ્યા આવા અપશબ્દો, ભાજપે નોંધાવી ફરિયાદઃ જુવો વીડિયો

Back to top button