દાહોદ: શાળામાંથી ધો. 1ની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળતા પરિવારજનો આઘાતમાં
દાહોદ, 20 સપ્ટેમ્બર, દાહોદની એક શાળાના કમ્પાઉન્ડમાં છ વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. દાહોદના સીંગવડ તાલુકામાં પીપળીયા ગામની આ ઘટના છે. પીપળીયા ગામમાં તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી શાળાએ ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. સમયથી ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે 6 વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલત મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુમાં વધુ તપાસ હાથ ધરી છે.
શાળાના ગેટ પર હતું તાળું
ઘર એક મંદિર કે શાળા એક મંદિર છે, આ વાકય ઘણું કહી જાય છે. મંદિરની જેમ જ શાળાનું વાતાવરણ પવિત્ર ગણાય છે. ત્યારે દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. આ શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ગતરોજ તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરી રહેલા બાળકી ઘરે પંહોચી નહોતી. શાળાની વિદ્યાર્થીની 19મી સપ્ટેમ્બરના રોજ 10 વાગ્યે શાળાએ પંહોચી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ 6 વાગ્યે છૂટી ગયા હતા. પરંતુ બાળકી મોડી રાત થવા છતાં ઘરે પંહોચી નહોતી. મોડી રાત સુધી બાળકી ઘરે પરત ના ફરતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થીનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પરિવારજનો આઘાતમાં સરી પડ્યા
દીકરી શાળાના કમ્પાઉન્ડ અને ક્લાસરૂમની દીવાલ વચ્ચેના ખાચામાંથી મળી આવી હતી. બાદમાં પરિવારજનો તાત્કાલિક તેને સીંગવડ અને ત્યાંથી લીમખેડા હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ, ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કરી હતી. દિકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે હાલ અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરુ કરી છે, મૃતદેહને ફોરેન્સિક પેનલ પી.એમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યો છે. પી.એમ રીપોર્ટ આવ્યા બાદ વિધાર્થીનીના મૃત્યુનું સાચુ કારણ બહાર આવી શકે તેમ છે.
પોલીસની ટીમે તપાસ હાથ ધરી
ધોરણ 1માં અભ્યાસ કરતી માસૂમ બાળકી સાથે શાળામાં જ એવું શું બન્યું કે જેના કારણે તેનું મોત નિપજ્યું? આ સવાલનો જવાબ મેળવવા માટે હાલ દાહોદ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે જ એસપી સહિતો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાવ સ્થળને કોર્ડન કરી એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો…સુરત: ઘરે ઘી વેચવા આવતી મહિલાથી રહેજો સાવધાન, 4 મહિલાએ નવી તરકીબથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી