ગુજરાતમધ્ય ગુજરાત

બોગસ સરકારી કચેરી ખોલી કરોડોના કૌભાંડમાં દાહોદ જિ.પં.ના કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચાની ધરપકડ

Text To Speech

દાહોદઃ જિલ્લામાં પાંચ વર્ષ દરમિયાન 6 જેટલી બોગસ સરકારી કચેરીઓ ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયાનો ઘટસ્ફોટ થયા બાદ એક બાદ એક આરોપીઓ પોલીસની પકડમાં આવી રહ્યાં છે. 18 કરોડથી વધુની રકમના આ કૌભાંડમાં પૂર્વ IAS બી.ડી. નિનામાની ધરપકડ કરાયા બાદ આજે દાહોદ પોલીસે દાહોદ જિલ્લા પંચાયતના નાની સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે.

ઈશ્વર કોલચાનું નામ ખૂલતા પોલીસે ધરપકડ કરી
દાહોદમાં આ કૌભાંડ મામલે તત્કાલીન પ્રાયોજના અધિકારી બી.ડી. નિનામાના રિમાન્ડ દરમિયાન જિલ્લા પંચાયતના નાની સિચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચાનું નામ ખૂલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે.દાહોદ પ્રાયોજના કચેરી માંથી 2019 થી 2022 સુધી પ્રાયોજના વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળનારા બી.ડી. નીનામાએ નકલી કાર્યપાલક ઇજનેરની 6 બોગસ સરકારી કચેરીઓને 100 પૈકી સૌથી વધુ 82 કામોની વહીવટી મંજૂરીઓ આપીને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટના નાણાં ફાળવ્યા હતા.

દાહોદમાં નકલી સરકારી કચેરીઓનું કૌભાંડ
દાહોદમાં નકલી સરકારી કચેરીઓ ઉભી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ દાહોદ પોલીસે અત્યાર સુધીમાં ખોટા સરકારી અધિકારી બનેલા સંદિપ રાજપૂત, ખોટી ઓફિસના કામે બેંક એકાઉન્ટ ખોલનારા અંકિત સુધાર, તત્કાલીન પ્રાયોજના અધિકારી બી.ડી. નિનામા અને દાહોદ જિલ્લા પંચાયતની નાની સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)નું 82મું વાર્ષિક સત્ર 2થી 5 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરમાં યોજાશે

Back to top button