રાજકોટ અગ્નિકાંડમાં પુત્ર મૃત્યુ પામતા પિતાને આઘાત લાગ્યો, સારવાર દરમિયાન દમ તોડ્યો
રાજકોટ, 08 જૂન 2024, શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ થતાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જેમાં એક 24 વર્ષિય યુવક વિશ્વરાજસિંહ જશુભા જાડેજાનું ગેમ ઝોનમાં નોકરી મળ્યાના પ્રથમ દિવસે જ મોત થયું હતું. હવે વિશ્વરાજસિંહના પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વિશ્વરાજનું મોત થતાં તેમના પિતા સતત તેના નામનું રટણ કરતા હતા. તેમની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન વિશ્વરાજના પિતાનું પણ મૃત્યુ નિપજ્યું છે.
દિકરાના વિયોગમાં પિતાએ દમ તોડ્યો
વિશ્વરાજસિંહના પિતા જશુભા હેમુભા જાડેજા છેલ્લા એક સપ્તાહથી દીકરાના આઘાતમાં રહેતા હતા. સતત દીકરાના નામનું રટણ કરતા હતા. આ દરમિયાન ગઈકાલે રાત્રે તેમની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જશુભા હેમુભા જાડેજાનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 12 દિવસમાં બે-બે સભ્યોના મોત થયાં છે. જેમાં પુત્રના વિયોગમાં પિતાનું મોત થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. 24 વર્ષીય વિશ્વરાજસિંહ જાડેજા TRP ગેમઝોનમાં નોકરીમાં રહ્યા હતા અને દુર્ઘટના બની એ દિવસે તેમની નોકરી પર ફરજનો પ્રથમ દિવસ હતો અને અગ્નિકાંડ સર્જાતા તેમનું આગ લાગતા મોત નીપજ્યું હતું.
અગ્નિકાંડને નજરે જોનાર યુવકને પૂછપરછ માટે બોલાવાયો
ગેમઝોન અગ્નિકાંડને નજરે જોનાર યુવકને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યો હતો. રાજકોટમાં સર્જાયેલ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા એમ.ડી. સાગઠીયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એમ.ડી. સાગઠીયાએ પૂછપરછમાં ભાજપના પદાધિકારીનું નામ આપ્યું હતું. જેમાં ભાજપનાં પદાધિકારીનાં કહેવાથી ડિમોલેશન રોક્યું હતું. તેમજ ક્યા પદાધિકારીનું નામ આપ્યું તે અંગે એસઆઈટી દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ભાજપનાં ત્રણથી વધુ પદાધિકારીઓનાં નામ પૂછપરછમાં ખૂલ્યાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃ પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું