સાયરસ મિસ્ત્રીને સુરતના આ મંદિરમાં હતી ખાસ શ્રદ્ધા, તેમના પરદાદાની સાથે જોડાયેલી હતી લાગણીઓ
ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયું છે. પણ ઘણાં ઓછા લોકો જાણતા હશે કે સાયરસ મિસ્ત્રના પરિવારનું સુરતના વેસુમાં ખાસ કનેક્શન છે. તેમના પરદાદા શાહજી મિસ્ત્રી વેસુમાં રહેતા હતા અને તેઓ વેસુમાં આવેલા આશાપુરી માતાના મંદિરમાં કાલ ભૈરવની આરાધના કરી હોવાની પણ વાતો સામે આવી છે.
સુરતની વારંવાર લઈ રહ્યા હતા મુલાકાત
એટલું જ નહીં ઘણી વખત મિસ્ત્રી પોતાના પ્રાઇવેટ પ્લેનથી સુરત અને ઉદવાડાના મંદિરની મુલાકાત લેતાં રહ્યા છે. તેઓ ઘણી વખત વેસુમાં આવેલા આશાપુરી માતાના મંદિરમાં કાલ ભૈરવની પૂજા કરવા આવી જતાં હતા. જ્યાં તેમના દાદાની કેટલીક યાદો જોડાયેલી છે. મિસ્ત્રી તેમના પૂર્વજોની યાદમાં પુસ્તક લખી રહ્યા હતા, તેમના સંશોધન દરમિયાન તેમને તેમના દાદા શાહજી મિસ્ત્રીએ 1880માં લખેલી એક ડાયરી મળી જેમાં તેમણે વેસુમાં રહીને ભૈરવજી મંદિરમાં નિયમિત પૂજા કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
મિસ્ત્રી પરિવારના મૂળ વેસુમાં
સાયરસ મિસ્ત્રી પાસે આ ડાયરી હતી કે, જે તેમના પરદાદાએ લખી હતી. વર્ષ 2017માં તેઓ આ ડાયરી સાથે સુરતના વેસુ વિસ્તારમાં ખાનગી કાર્યક્રમ હેઠળ સુરત આવ્યા હતા. સુરતનો વેસુ વિસ્તાર કે, જ્યાં તેમના પરદાદાનો જન્મ થયો હતો. તેમણે ત્યાં જ ભણતર પૂર્ણ કર્યું હતું. સાયરસ મિસ્ત્રી માટે આશાપુરા મંદિર આસ્થાનું કેન્દ્ર હતું.
સુરતના વેસુ ગામમાં અગિયારી મહોલ્લો છે કે, જ્યાં સાયરસ મિસ્ત્રીના પરદાદાનું ભણતર થયુ હતું. અહીં આજે પણ ફાયર હાઉસ (અગિયારી, પારસીઓનું ધર્મ કેન્દ્ર) જોવા મળે છે. જેમાં સાયરસ મિસ્ત્રીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફાયર હાઉસના પુનરુત્થાનનું કાર્ય પણ સાયરસ મિસ્ત્રી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ ફાયર હાઉસમાં સાયરસ મિસ્ત્રીએ પોતે પૂરી જાણકારી મેળવી હતી.
એટલું જ નહીં વેસુ વિસ્તારમાં તપાસ કરતા એક ખાલી પ્લોટ નજરે આવશે.આ ખાલી પ્લોટ ઉપર પહેલાં એક શાળા હતી. જેમાં સાયરસ મિસ્ત્રીના પરદાદા ભણતા હતા. બે વર્ષ પહેલા જ્યારે સાયરસ મિસ્ત્રી સુરત આવ્યા હતા. ત્યારે તેમણે આ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે આશ્વાસન આપ્યુ હતું કે, તેઓ આ શાળાનુ પુનરુત્થાન કરાવ્યું હતું. તેમજ આ વિસ્તારને એક ઐતિહાસિક પેલેસ તરીકે વિકસાવાની તૈયારી કરી હતી.
આશાપુરા માતાના મંદિર અને કાલભૈરવની ખાસ શ્રદ્ધા
વર્ષ 2017માં જ્યારે મિસ્ત્રી સુરત આવ્યા હતા. ત્યારે તેમની સાથે એક ડાયરી હતી. આ ડાયરીમાં પરદાદાએ આ વિસ્તારનો લેખ પણ લખ્યો હતો. સાયરસ મિસ્ત્રી પરિવાર સાથે ધંધાકીય અર્થે મુંબઈ સ્થાયી થઈ ગયા હતા. પરંતુ પરદાદાની જન્મભૂમિ સાયરસ મિસ્ત્રીને યાદ છે. આ વિસ્તારમાં સાયરસ મિસ્ત્રીના પરદાદાએ રોડ પણ બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આશાપુરા માતાનું મંદિર પણ આવેલું છે. જ્યાં સાયરસ મિસ્ત્રીના પરદાદા કાલભૈરવની પૂજા પણ કરતા હતા. આશાપુરા મંદિર મિસ્ત્રી પરિવાર માટે ખૂબજ આસ્થાનું કેન્દ્ર છે. કારણકે, અહીં વર્ષો પહેલા સાયરસ મિસ્ત્રીના પરદાદા પણ પૂજા કરતા હતા. થોડાં વર્ષો પહેલાં સાયરસ મિસ્ત્રીએ પોતે અહીં આવી ખાસ પૂજા-અર્ચના કરી હતી. વૈદિક મંત્રો સાથે થયેલી આ પૂજા અર્ચના પાંચ પૂજારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેના કેટલાક અંશ અંગ્રેજીમાં પણ અનુવાદ કરી સાયરસ મિસ્ત્રીને સમજાવવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રીએ પોતાના પરદાદાની ડાયરી મુજબ ગામના લોકોને જણાવ્યુ હતું કે, આશાપુરા મંદિરમાં એક પ્રતિમા છે. જે કાલભૈરવની છે.
આ પણ વાંચો : સાયરસ મિસ્ત્રી : ટાટાના પૂર્વ ચેરમેનની પોતાની પણ આગવી ઓળખ, હજારો કરોડની છે સંપતિ
જૂના વેસુ વિસ્તારમાં રહેતા લોકો ખાસ કરીને અગિયારી મહોલ્લાના લોકો સાયરસ મિસ્ત્રીના અણધાર્યા અવસાનથી શોકમાં ગરકાવ છે. વેસુના રહેવાસી રસિક પટેલે જણાવ્યું કે, અમે સાયરસ મિસ્ત્રી વિશે સાંભળીને હેરાન છીએ. મિસ્ત્રીને અગિયારી મોહલ્લાના લોકો સાથે ગાઢ સંબંધ હતો કારણ કે તેના પરદાદા તે જ જગ્યાએ રહેતા હતા અને કાલ ભૈરવના ભક્ત હતા. આશાપુરી માતાનું મંદિર હજુ પણ ત્યાં છે જ્યાં તેમના પૂર્વજો તેમની પ્રાર્થના કરતા હતા.