Cyclone Remal: મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાતી તોફાન ‘રેમલ’
પશ્ચિમ બંગાળ, 26 મે: ચક્રવાત ‘રેમલ’ એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને રવિવારની રાત સુધીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે આ માહિતી આપી છે. ચોમાસાની સિઝન પહેલા બંગાળની ખાડીમાં ત્રાટકનાર આ પ્રથમ ચક્રવાત છે. રવિવારે સવારે 8 વાગ્યે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ મુજબ, ‘રેમલ’ ઉત્તર બંગાળની ખાડી પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બની ગયું છે અને તે ખેપુપારાથી લગભગ 290 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વ અને દરિયાકાંઠેથી 270 કિમી દક્ષિણ – દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત છે.
દરમિયાન, તોફાનના જોખમને ધ્યાનમાં રાખીને કોલકાતાનું નેતાજી સુભાષચંદ્ર વિમાનમથક હાલ બંધ કરવામાં આવ્યું છે અને તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
#WATCH कोलकाता, पश्चिम बंगाल: गंभीर चक्रवात ‘रेमल’ के अलर्ट के मद्देनजर कोलकाता के नेताजी सुभाष चंद्र बोस अंतर्राष्ट्रीय हवाई अड्डे से उड़ानें निलंबित कर दी गई हैं। pic.twitter.com/xhl86PEiUz
— ANI_HindiNews (@AHindinews) May 26, 2024
ચક્રવાતી તોફાન રેમલની સ્પીડ પ્રતિ કલાક 120 કિમી હશે
IMDએ જણાવ્યું હતું કે તે વધુ તીવ્ર બને અને મધ્યરાત્રિ સુધીમાં સાગર ટાપુ અને ખેપુપારા વચ્ચે પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશી દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતાઓ છે. તેમણે અનુમાન લગાવ્યું હતું કે આ સમય દરમિયાન 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેનો વેગ 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. હવામાનશાસ્ત્રના અન્ય મોડલ મુજબ ચક્રવાત મોડી સાંજ સુધીમાં દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન કચેરીએ રવિવારે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં પણ 27-28 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.
ચક્રવાત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચ્યા પછી નીચાણવાળા વિસ્તારોમાં ભરાશે પાણી
5 મીટર સુધીના વાવાઝોડાના મોજાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને સોમવાર સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની સલાહ આપી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મે માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી છે. આ સિવાય કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં 26-27 મે માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે, જ્યાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેનો વેગ 100 કિલોમીટર પ્રતિ કલાકનો અંદાજ છે.
ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદની શક્યતા
ઉત્તર ઓડિશાના બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપારા તટીય જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદ પડશે, જ્યારે મયુરભંજમાં પણ 27 મેના રોજ ભારે વરસાદ થવાની સંભાવના છે. IMD એ પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાઓમાં પૂરની ચેતવણી આપી છે અને નબળા માળખાં, પાવર અને કોમ્યુનિકેશન લાઈનો, કાચા રસ્તાઓ અને પાકો તેમજ બગીચાઓને ભારે નુકસાન થવાની ચેતાવણી આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. સુંદરબન મેન્ગ્રોવ જંગલને પણ ચક્રવાતથી અસર થવાની સંભાવના છે. સુંદરવન એ વિશ્વના સૌથી મોટા જંગલોમાંનું એક છે અને તે તેના વૈવિધ્યસભર પ્રાણીસૃષ્ટિ માટે જાણીતું છે, જેમાં પક્ષીઓની 260 પ્રજાતિઓ, બંગાળ વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ જેમ કે નદીમુખ (ખારા પાણીના) મગર અને ભારતીય અજગરનો સમાવેશ થાય છે.
ચક્રવાતી તોફાનો કેમ આવી રહ્યા છે?
પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદો પર 9,630 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું સુંદરવન, આબોહવા પરિવર્તનને કારણે દરિયાની સપાટીમાં વધારો, ખારાશ અને જમીનના ધોવાણથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવાતી તોફાનો વધુને વધુ તીવ્ર બની રહ્યા છે અને લાંબા સમય સુધી તેમની તાકાત જાળવી રાખી રહ્યા છે. આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈના જણાવ્યા અનુસાર દરિયાની સપાટી ગરમ થવાનો અર્થ છે વધુ ભેજ, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે.
આ પણ વાંચો: દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાઈ ‘રેમલ’ની અસર , ટ્રેનો રદ, હેલ્પલાઈન નંબર જાહેર