દાના વાવાઝોડું આજે મધરાતે ઓડિશાના દરિયા કિનારે ટકરાશે, અહિયાં મચાવી શકે છે તબાહી

પુરી, 24 ઓક્ટોબર : ઓડિશા અને પશ્ચિમ બંગાળ ‘દાના’ વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ પર છે. ગુરુવારે સવારે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાયો હતો. ઓડિશામાં દરિયા કિનારાની સ્થિતિ પહેલાથી જ ખરાબ દેખાઈ રહી છે. ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, કારણ કે ‘દાના’ કિનારાની ખૂબ નજીક પહોંચી ગયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે ‘દાના’ વાવાઝોડું શુક્રવારે સવારે ઓડિશાના ભીતરકણિકા નેશનલ પાર્ક અને ભદ્રક જિલ્લાના ધમરા બંદર સુધી પહોંચવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડી પર બનેલું આ વાવાઝોડું ‘દાના’ પોતાની સાથે ખતરો લઈને આવી રહ્યું છે. જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળ હાઈ એલર્ટ પર છે, ત્યારે અન્ય ત્રણ રાજ્યો ઝારખંડ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
દરિયાઈ વિસ્તારની આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. NDRFની 56 ટીમો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા છ કલાક દરમિયાન દાના 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
દરમિયાન હવામાન વિભાગ પણ ‘દાના’ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ અંગે વિભાગે એક બુલેટિન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દાના વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધતા 24મી ઓક્ટોબરની મધ્યરાત્રિથી 25મી ઓક્ટોબરની સવાર સુધી ઉત્તરના દરિયાકાંઠે ટકરાશે. પુરી અને સાગર દ્વીપ વચ્ચે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પાર થવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.
5 રાજ્યોમાં NDRFની 56 ટીમો તૈનાત
એનડીઆરએફએ ચક્રવાત ‘દાના’ને ધ્યાનમાં રાખીને ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં કુલ 56 ટીમો તૈનાત કરી છે. ઓડિશામાં 20 ટીમો તૈનાત છે, જેમાંથી એક રિઝર્વમાં છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 17માંથી 13 રિઝર્વમાં છે. આ વિસ્તારોમાં NDRF ઉપરાંત સંબંધિત રાજ્યની SDRF ટીમ તૈનાત છે. NDRF એ આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં નવ-નવ ટીમો તૈનાત કરી છે, જ્યારે એક ટીમ છત્તીસગઢમાં, કારણ કે વાવાઝોડાના આગમન પછી આ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ કહ્યું કે તે હાઈ એલર્ટ પર છે અને બંગાળની ખાડી પર કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો ઝડપથી જવાબ આપવા માટે તેણે જહાજો અને એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. દરમિયાન, NDRFએ કહ્યું કે તેણે દક્ષિણ બંગાળમાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ઘણી ટીમો તૈનાત કરી છે.
‘દાના’ને કારણે 16 ફ્લાઈટ રદ કરાઈ
દાનાની વધતી જતી પ્રગતિને ધ્યાનમાં રાખીને ભુવનેશ્વરના બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરૂવાર એટલે કે આજે સાંજથી 16 કલાક માટે ફ્લાઈટ ઓપરેશન સ્થગિત કરવામાં આવશે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચક્રવાતી તોફાન દાનાને કારણે એરપોર્ટનું સંચાલન 24 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી સ્થગિત રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે ભુવનેશ્વર એરપોર્ટ પર દરરોજ 100 થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે, જેમાં લગભગ 15 હજાર લોકો મુસાફરી કરે છે.
190 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી
દાનાને ધ્યાનમાં રાખીને, પૂર્વ રેલવે તેના સિયાલદહ ડિવિઝનમાં ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી શુક્રવારે સવારે 10 વાગ્યા સુધી 190 લોકલ ટ્રેનો ચલાવશે નહીં. દક્ષિણ પૂર્વીય રેલ્વેએ મંગળવારે જાહેરાત કરી હતી કે ચક્રવાતને ધ્યાનમાં રાખીને, તેના ક્ષેત્રમાંથી ચાલતી 150 થી વધુ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. પૂર્વ રેલવેએ મંગળવારે જ તેના વિસ્તારમાંથી પસાર થતી લગભગ 198 ટ્રેનો રદ કરી હતી.
આ પણ વાંચો :- કાશ્મીરના ગુલમર્ગમાં સેનાની ગાડી ઉપર આંતકી હુમલો, 5 જવાન ઘાયલ