- સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે
- 5 દિવસ સુધી ચોમાસાના પ્રારંભની શક્યતા નહિવત્
- અન્ય જિલ્લાઓમાં આજથી વરસાદ શરૂ થવાની શક્યતા
સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. જો કે આ વર્ષે બિપોરજોય વાવાઝોડાને કારણે ચોમાસુ ખેંચાયુ છે અને 25 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા નથી. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસની આગાહી જાહેર કરાઈ છે. જેમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજથી વરસાદ શરૂ થવાની આગાહી કરાઈ છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં હજુ લોકોને વરસાદની રાહ જોવી પડશે.
આ પણ વાંચો: ગુજરાતના આ સાત જિલ્લામાં પીવાના પાણીનો કકળાટ વધ્યો
ચોમાસું વિલંબથી મંડાશે અને 25 જૂન બાદ વરસાદ શરૂ થવાની શક્યતાઓ
વાવાઝોડાને કારણે ચોમાસા પહેલાં જ સાર્વત્રિક વરસાદ થયો છે પરંતુ હજુ વિધિવત્ ચોમાસાની એન્ટ્રી થાય તો ખરીફ વાવેતર શરૂ કરવા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની આગાહી કરાઈ છે. હવેથી શરૂ થનાર વરસાદ એ ચોમાસાની વિધિવત્ શરૂઆત ગણાશે અને બાદમાં સાર્વત્રિક વરસાદ પડશે. જો કે આજથી ચોમાસાનો પ્રારંભ થશે તેમાં ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાની શક્યતાઓ નહિવત્ વ્યકત કરાઈ છે.
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ 25 જૂન સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વાતાવરણ શુષ્ક રહેશે. આ અગાહી મુજબ ઉ.ગુ.માં હજુ ચોમાસું વિલંબથી મંડાશે અને 25 જૂન બાદ વરસાદ શરૂ થવાની શક્યતાઓ રહેલી છે.
મોટાભાગના ખેડૂતો ખરીફ વાવેતર કરતા નથી
એક તરફ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી વચ્ચે બિપોરજોય વાવાઝોડાને કારણે ચોમાસું ખેંચાયું છે. ગત અઠવાડિયે વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારોમાં અતિભારે તો ક્યાંક મધ્યમથી હળવો વરસાદ થયો છે. પરંતુ જ્યાં સુધી વિધિવત્ ચોમાસાનો પ્રારંભ ન થાય અને વાવણીલાયક વરસાદ શરૂ ન થાય ત્યાં સુધી મોટાભાગના ખેડૂતો ખરીફ વાવેતર કરતા નથી. ખેડૂતોએ બિયારણ, ખાતર, દવાઓ સહિતની ખરીદી કરવા તૈયારીઓ પણ કરી રાખી છે અને ચોમાસું મંડાય તેની રાહ જોવાઈ રહી છે. જો વિધિવત્ વરસાદ આવે તો ખેડૂતો વાવેતર કરી શકે જેથી પાકને સારો એવો વરસાદ મળી શકે.