કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

Cyclone Biperjoy: જાણો બિપરજોય વાવાઝોડાને લગતા અત્યાર સુધીના 10 મોટા સમાચાર

છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં સતત દિશા અને ગતિ બદલતું બિપરજોય વાવાઝોડું હવે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠાના વિસ્તારમાં આ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાત બિપરજોય 15 જૂને ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ વાવાઝોડાએ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તોફાનને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. અધિકારીઓ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અસરગ્રસ્ત આઠ લોકસભા મતવિસ્તારના સાંસદો પણ બેઠકમાં હાજરી  આપી હતી.

BIPERJOY - Humdekhengenews

બિપરજોય વાવાઝોડાને લગતી 10 મોટી વાતો વિશે જાણો

1. 7,500લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા કર્મચારીઓ દ્વારા લગભગ 7,500લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દરિયાકાંઠાથી 10 કિમીના અંતર સુધી આવેલા ગામડાઓમાંથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

2. 15 જૂન સુધીમાં બિપરજોય કચ્છના કિનારા સુધી પહોંચવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધીમાં ચક્રવાત બિપરજોય ગુજરાતના કચ્છ જિલ્લાના કિનારા સુધી પહોંચી શકે છે. કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને મોરબીના દરિયા કિનારે રહેતા લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

3.આર્મી, નેવી અને ભારતીય કોસ્ટ ગાર્ડને એલર્ટ

ચક્રવાત બાયપરજોયે હવે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચક્રવાત દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આર્મી, નેવી અને ભારતીય કોસ્ટ ગાર્ડને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

4.પોરબંદરના 31 ગામોના લોકોનું સ્થળાંતર

ચક્રવાત બિપરજોયને જોતા પોરબંદરના 31 ગામોના આશરે 3,000 અને દેવભૂમિ દ્વારકાના લગભગ 1,500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

5. પીએમએ રાજ્યને તમામ શક્ય મદદની ખાતરી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમએ રાજ્યને તમામ શક્ય મદદની ખાતરી આપી.

6.અસરગ્રસ્તો માટે રહેવા, ભોજન અને દવાઓની વ્યવસ્થા

અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRF અને SDRFની ડઝનબંધ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અસરગ્રસ્તો માટે રહેવા, ભોજન અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

7.કચ્છમાં કલમ 144 લાગુ, શાળાઓ અને કોલેજો 15 જૂન સુધી બંધ

ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમામ શાળાઓ અને કોલેજો 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે.

8.આજે 67 ટ્રેનો રદ

ચક્રવાત બિપરજોયને કારણે આજે 67 ટ્રેનો રદ કરવામાં આવી છે. ઘણી ટ્રેનો પણ મોડી ચાલી રહી છે અને રેલવેએ તેમના માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે.

9.મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ

તોફાનના કારણે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ ભારે વરસાદ થયો છે.

10.પાકિસ્તાનમાં પણ જોવા મળશે બાયપરજોયની અસર

ચક્રવાત બિપરજોયની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળશે. પાકિસ્તાન સરકારે સિંધ અને બલૂચિસ્તાનના અધિકારીઓને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે.

 આ પણ વાંચો : ધોરણ-1માં પ્રવેશ અંગે બાળકની જન્મ તારીખને લઈને હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું- ‘ખુલાસો કરો’

Back to top button