બિપરજોય વાવાઝોડુઃ AMCની સંકટને પહોંચી વળવા શું છે તૈયારી?
- મ્યુનિ. કમિશનર દ્વારા સંબંધિત વિભાગે કરેલી તૈયારીની સમીક્ષા કરાઈ
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનેનાગરિકોનાં જાન-માલની સલામતી માટે સજ્જ હોવાનું કહ્યુ
- ફાયરબ્રિગેડના તમામ સ્ટાફની સજા રદ કરાઇ
અતિ વિનાશક બિપરજોય વાવાઝોડું ૧૫ જૂને કચ્છના જખૌ બંદર પર ત્રાટકે તેવી શક્યતા હોઈ રાજ્ય સરકારો સજ્જ બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અગમચેતીનાં તમામ પગલાં લેવાઈ રહ્યાં છે. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા સંબંધિત વિભાગે કરેલી તૈયારીની સમીક્ષા કરાઈ હતી, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પણ તંત્ર નાગરિકોનાં જાન-માલની સલામતી માટે પૂરતું સજ્જ હોવાનું જણાવ્યું છે. તેઓ વધુમાં કહે છે, વાવાઝોડાથી ઉદ્ભવનાર સંભવિત તમામ પરિસ્થિતિનો સામનો કરવા અમે તૈયાર છીએ.
બિપરજોય સંકટને પહોંચી વળવા અમદાવાદ ફાયરબ્રિગેડ સુસજ્જ#ahmedabad #ahmedabadnews #ahmedabadfirebrigade #firebrigade #news #newsupdate #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/IQ6eQUUYh5
— Hum Dekhenge News (@humdekhengenews) June 13, 2023
બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવવા આવી રહ્યું હોઈ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશે અગમચેતીનાં પગલાં લીધાં છે. ફાયરબ્રિગેડ વિભાગને સ્ટેન્ડ ટુ રખાયો છે. ભારે વૃક્ષનું ટ્રીમિંગ કરાઈ રહ્યું છે. ખાનગી અને મ્યુનિ. માલિકીના હોર્ડિંગ્સને ચકાસીને ભયજનક હોય તેને ઉતારાઈ રહ્યાં છે.
ફાયરબ્રિગેડના વડા જયેશ ખડિયા કહે છે કે ફાયરબ્રિગેડ દ્વારા તમામ સ્ટાફની રજા રદ કરાઈ હોઈ ૮૫ વૂડન કટર, ૬૫ સ્લેબ કટર, ૧૫ ઈમર્જન્સી ટેન્ડર અને ૧૦ બોટ તૈયાર રખાઈ હોઈ શહેરનાં તમામ ૧૬ ફાયર સ્ટેશન ખાતે કુલ ૬૦૦ કર્મચારી-અધિકારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. સાંકડા રોડ પર ભારે પવનથી મકાન ધરાશાયી થાય તો ફર્સ્ટ રિસ્પોન્ડર વાન તૈયાર રખાઈ છે .
શું છે હેલ્થ ડિપાર્ટમેન્ટની તૈયારી?
શહેરમાં ભારે પવન અને વરસાદના પગલે સર્જાનારી ઈમર્જન્સી સામે લડત આપવા હેલ્થ વિભાગ પણ એલર્ટ છે. હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી કહે છે કે એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ સહિતની મ્યુનિ. હોસ્પિટલ, અર્બન સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ડોક્ટર્સ સહિતના તમામ સ્ટાફની રજા રદ કરાઈ છે. મ્યુનિ. હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં દવાનો પૂરતો સ્ટોક રખાયો છે. એસવીપી હોસ્પિટલ પણ તમામ કપરા સંજોગ સામે દર્દીની તત્કાળ સારવાર કરવા સજ્જ છે.
શહેરીજનો આ નંબર પર કરી શકે છે ફરિયાદ
શહેરમાં બે લાખ જેટલા સ્ટ્રીટ લાઇટ પોલ હોઈ તંત્ર દ્વારા કમિશનર એમ. થેન્નારસનના આદેશના પગલે ૧,૩૧,૪૭૮ સ્ટ્રીટ લાઇટ પોલની ચકાસણી આટોપાઈ ગઈ છે તેમ સ્ટ્રીટ લાઇટનો હવાલો સંભાળતા એડિશનલ સિટી ઈજનેર એમ. કે. નિનામા કહે છે. તેઓ વધુમાં કહે છે- દરેક વોર્ડ દીઠ એક ગેંગ સ્ટ્રીટ લાઇટના પોલનું ધ્યાન રાખશે, જેમાં લાઇનમેન, ડ્રાઇવર સહિત ત્રણ કર્મચારી છે. જોકે નાગરિક ૧૫૫૩૦૩ પર સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદ કરી શકે છે.
વાવાઝોડાથી ફૂંકાનારા ભારે પવનથી વૃક્ષોની લોથ નીકળી જતી હોઈ બાગ-બગીચા વિભાગ નાગરિકોના જાનમાલની સુરક્ષા જાળવવા માટે કામે લાગ્યો છે. મ્યુનિ. બાગ બગીચા વિભાગના વડા જિજ્ઞેશ પટેલ કહે છે, નાગરિકો માટે જોખમી હોય તેવાં વૃક્ષોનાં ટ્રીમિંગ માટે શહેરમાં ૮૫ ટીમ કામે લગાવાઈ છે અને અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ વૃક્ષનું ટ્રીમિંગ થઈ ચૂક્યું છે.
રેસ્ક્યૂ માટે ૧૪ ટીમ તૈયાર
ફાયરબ્રિગેડના વડા જયેશ ખડિયા કહે છે, ગુજરાતમાં ક્યાંય પણ રેસ્ક્યૂની કામગીરી કરવા છ કર્મચારી ધરાવતી ૧૪ ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે, જે રાજ્ય સરકાર કહેશે ત્યાં રેસ્ક્યૂની કામગીરી કરશે.
આજે સાંજે રિવરફ્રન્ટ અંગે નિર્ણય લેવાશે
રિવરફ્રન્ટનો હવાલો સંભાળતા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આઇ. કે. જાડેજા કહે છે, અત્યારે તો રિવરફ્રન્ટમાં બોટિંગ સહિતની પ્રવૃત્તિ રાબેતા મુજબ ચાલી રહી છે. જોકે આજે સાંજે હવામાનની સ્થિતિ જોઈને નિર્ણય લેવાશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઝોનલ કન્ટ્રોલરૂમ દીઠ ૨૦ સફાઈ કર્મચારી ફાળવ્યા છે. શહેરની આસપાસના વિસ્તારો માટે પણ ૨૦૦ સફાઈ કર્મચારીની ટીમ બનાવાઈ છે.
આ પણ વાંચોઃ બિપોરજોય વાવાઝોડામાં સોલાર પેનલોને થશે મોટુ નુકસાન, કેવી રીતે બચશે!