ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાવાઝોડું ‘બિપરજોય’ પોરબંદરથી 900 કિમી દૂર, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર

દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. IMDના જણાવ્યા અનુસાર, ચક્રવાત આગામી 48 કલાકમાં સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. આગામી ત્રણ દિવસ દરમિયાન તે ઉત્તર ભારત તરફ આગળ વધશે.

  • દેશના અલગ-અલગ રાજ્યોમાં એલર્ટ
  • માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
  • ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર
  • પોરબંદરથી 900 કિમી દૂર વાવાઝોડું
  • ગુજરાતમાં તમામ અધિકારીઓને સ્થળ પર હાજર

ગુજરાતમાં તરફ વધી રહેલું વાવાઝોડું બિપરજોય હાલ પોરબંદરથી 900 કિમી દૂર છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં તંત્ર સતર્ક થઈ ગયુ છે અને તમામ અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા સુચના આપી દેવામાં આવી છે. જિલ્લાના તમામ બંદર પર ભયજનક 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યુ છે. આ સાથે લોકોને દરિયાકાંઠે ન જવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે NDRF તેમજ SDRFની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના અમરેલી સહિત દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલીના રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં ટીમ એક્ટિવ કરવામાં આવી છે. તો પીપાવાવ કોસ્ટગાર્ડ વહીવટીતંત્ર દરિયા કિનારે સીધી નજર રાખી રહ્યું છે.

ગીર સોમનાથમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે તેમજ ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. વેરાવળ, સુત્રાપાડા બંદર પર 2 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે તેમજ દરિયા કાંઠા વિસ્તારના માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ કેરળમાં ચોમાસાએ આપી દસ્તક, વાવાઝોડું ‘બિપરજોય’ બનશે વધુ તીવ્ર !

જામનગરમાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં બિપરજોય સાયકલોન સિસ્ટમ ડેવલપ થઈ છે. હવામાન વિભાગની આગાહીઓ અને ચેતવણીને અનુરૂપ જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તે અંગે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં જિલ્લા તથા તાલુકા મથકના તમામ અધિકારીશ્રીઓને પોતાના હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે તેમજ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તમામ માછીમારો-બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. જામનગર ગ્રામ્યના અંદાજિત 12 ગામો, જોડિયા તાલુકાના 8 ગામો તેમજ લાલપુર તાલુકાના 2 મળી કુલ 22 ગામો દરિયાકાંઠે આવેલા છે. જેમાં રહેતા આશરે 76 હજાર જેટલા નાગરિકો માટે જો જરૂર જણાય તો સલામત આશ્રયસ્થાન અંગેની પણ જરૂરી વ્યવસ્થાઓ તેમજ આયોજન સુનિશ્ચિત કરી લેવામાં આવ્યા છે.

દેશના આ રાજ્યોમાં એલર્ટ

લક્ષદ્વીપ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતની અસર થવાની સંભાવના છે. IMD એ આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ માટે પવનની ચેતવણી જારી કરી છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ-મધ્ય અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 80-90 kmphથી 100 kmph સુધી પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારો અને ઉત્તર કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારો વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે.

Back to top button