ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિપરજોય ચક્રવાત: કુદરતી આફત સમયે સેટેલાઇટ ફોન ઉપયોગ કેવી રીતે કરાય છે? જાણો તમામ માહિતી

HD ન્યુઝ ડેસ્કઃ કુદરતી આફત સમયે મોબાઈલ ફોન કે લેન્ડલાઈન અથવા કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ જાય અથવા કવરેજ ન મળે તે સમયે ઈમરજન્સી કોમ્યુનિકેશન તરીકે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે ઉપયોગ કરવોઃ સેટેલાઇટ ફોનના ઉપયોગ કરવાની પધ્ધતિ તમામ વ્યક્તિઓ માટે એકદમ સરળ અને ઉપયોગી છે. સૌપ્રથમ સેટેલાઈટ ફોન ચાલુ કરવા રેડ બટન ઓન કરી કવરેજ એરિયામાં ઉભા રહેવું. બિલ્ડીંગ બહારથી ઓપરેટ કરવું શક્ય છે. ‘Ready for service’ આવે ત્યારબાદ જે તે જીલ્લામાં નંબર લગાડવો. મોટા ભાગે સેટેલાઈટ ફોનની ફોનબુકમાં તમામ જીલ્લાના સેટેલાઇટ નંબર સેવ હોય છે. ડાયરેક્ટ સેટેલાઈટથી સેટેલાઈટ ફોન કરવા 0(ઝીરો) ડાયલ કરી ત્યારબાદ જે-તે જિલ્લાનો “6” ડીજિટનો નંબર લગાવવો. સેટેલાઇટ ફોનથી કોઇ અધિકારીના મોબાઇલ ફોન પર વાત કરવા તથા કચેરીના લેન્ડલાઇન પર વાત કરવા માટે પ્રથમ “0091″ ડાયલ કરવું ત્યારબાદ મોબાઇલ નંબર / STD કોડ સાથે કચેરીના લેન્ડલાઇન નંબર ડાયલ કરવો.

અત્રે ઉલ્લેખનીય છે કે,અમદાવાદ સિટીનો સેટેલાઇટ ફોન નંબર 8991115047 છે, જ્યારે અમદાવાદનો સેટેલાઇટ ફોન નંબર 8991115048 છે.

સેટેલાઇટ મોબાઇલ ફોન એટલે શું?

સેટેલાઇટ મોબાઇલ ફોન, જેને સેટેલાઇટ ફોન અથવા સેટે ફોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોબાઇલ ફોનનો એક પ્રકાર છે, જે કૉલ, ટેક્સ્ટ અને ડેટા ટ્રાન્સમિશન કરવા અને પ્રાપ્ત કરવા માટે સેટેલાઇટનો અથવા ઉપગ્રહ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, વધુમાં સેટેલાઇટ ફોન સંચાર અથવા કોમ્યુનિકેશન સ્થાપિત કરવા માટે પૃથ્વીની પરિક્રમા કરતા ઉપગ્રહોનો ઉપયોગ કરે છે. સેટેલાઇટ ફોનનો ઉપયોગ મોટાભાગે દૂરના અને દુર્ગમ વિસ્તારોમાં થાય છે, જ્યાં પરંપરાગત સેલ્યુલર નેટવર્ક ઉપલબ્ધ નથી અથવા તેને સ્થાપિત કરવા શક્ય નથી. જેમ કે, જંગલી વિસ્તારો, રણ સ્થાનો, મધદરિયાના વિસ્તારો તેમજ મર્યાદિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિકાસશીલ દેશોમાં.

સેટેલાઇટ ફોનનો ઉપયોગ કટોકટીની પરિસ્થિતિઓમાં પણ થઈ શકે છે. જેમ કે, કુદરતી આફતો દરમિયાન કરવામાં આવે છે. સેટેલાઇટ ફોનનો દેખાવ સામાન્ય રીતે મોબાઈલ ફોન જેવો જ હોય છે, તેમાં સામાન્ય રીતે મોટા એન્ટેના હોય છે અને તે નિયમિત મોબાઇલ ફોન કરતાં વધુ મજબૂત હોય છે. તેઓ ખરીદવા અને ઉપયોગ કરવા માટે વધુ ખર્ચાળ છે. દરેક દેશ દ્વારા સેટેલાઇટ મોબાઇલ ફોનના ઉપયોગ બાબતે નિયમો બનાવ્યા છે તે નિયમો પ્રમાણે જ સેટેલાઇટ ફોન કનેક્શન સામાન્ય નાગરિકને આપવામાં આવે છે.

સેટેલાઇટ ફોનના મુખ્ય બે પ્રકાર છે

(1) જિઓ સ્ટેશનરી સેટેલાઇટ ફોન

આ પ્રકારનો સેટેલાઇટ ફોન જિઓ સ્ટેશનરી સેટેલાઇટનો ઉપયોગ કરે છે, જે પૃથ્વીની સપાટીની તુલનામાં નિશ્ચિત સ્થિતિમાં રહે છે. તેઓ મોટા વિસ્તાર માટે કવરેજ પ્રદાન કરે છે. વધુમાં તેનો ઉપયોગ વૉઇસ, ટેક્સ્ટ અને ડેટા કમ્યુનિકેશન માટે થઈ શકે છે.

(2) લૉ અર્થ ઓર્બિટ (લીઓ) સેટેલાઇટ ફોન

આ પ્રકારના સેટેલાઇટ ફોન લૉ અર્થ ઓર્બિટિંગ ઉપગ્રહોના જૂથનો ઉપયોગ કરે છે, જે પૃથ્વીની આસપાસ ઝડપથી ફરે છે. તેઓ વૈશ્વિક કવરેજ પ્રદાન કરે છે અને એવા વપરાશકર્તાઓ માટે આદર્શ છે. જ્યાં મોબાઈલ સંચાર નેટવર્ક ઉપલબ્ધ હોતું નથી. લૉ અર્થ ઓર્બિટ (લીઓ) સેટેલાઇટ ફોનનો ઉપયોગ વૉઇસ, ટેક્સ્ટ અને ડેટા કમ્યુનિકેશન માટે પણ થઈ શકે છે. આ બે મુખ્ય સેટેલાઇટ ફોનના પ્રકારો ઉપરાંત, હાઇબ્રિડ સેટેલાઇટ ફોન પણ આવે છે, જે ખૂબ જ વિશાળ વિસ્તારમાં 100 ટકા અને ખામીરહિત કવરેજ પ્રદાન કરવા માટે જિઓ સ્ટેશનરી અને લૉ અર્થ ઓર્બિટ (લીઓ) સેટેલાઇટ બંને તકનીકોને જોડે છે.

સેટેલાઇટ ફોનના મુખ્ય પાંચ ફાયદા

(1) વૈશ્વિક કવરેજ : સેટેલાઇટ ફોન પૃથ્વી ગ્રહ પર ગમે ત્યાંથી અને ગમે ત્યાં કનેક્ટિવિટી પ્રદાન કરી શકે છે, સાથે જ સેટેલાઇટ ફોન દૂરસ્થ સ્થાનો અથવા એવા વિસ્તારો માટે પણ આદર્શ છે. આમ, તે વૈશ્વિક કવરેજ પૂર્ણ પાડે છે.

(2) વિશ્વસનીય સંદેશાવ્યવહાર : સેટેલાઇટ ફોન નબળા નેટવર્ક કવરેજવાળા વિસ્તારોમાં અથવા કુદરતી આફતો દરમિયાન જ્યાં લેન્ડલાઇન અને સેલ ટાવર્સને નુકસાન થઈ શકે છે તે વિસ્તારોમાં પણ સતત કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આમ, તે સેલ્યુલર ફોન કરતાં વધુ વિશ્વસનીય છે.

(3) કટોકટીની પરિસ્થિતિઓ : સેટેલાઇટ ફોનનો ઉપયોગ મોટાભાગે કટોકટીની પરિસ્થિતિઓમાં થાય છે, જ્યારે કટોકટીની પરિસ્થિતિઓમાં પરંપરાગત સંદેશાવ્યવહાર પદ્ધતિઓ નિષ્ફળ જાય છે ત્યારે સેટેલાઇટ ફોન જ લોકોને કૉલ કરવા અને કોઈ પણ પ્રકારની બચાવ સેવાઓ માટે ઓથોરિટીને સંપર્ક કરવાની મંજૂરી આપે છે.

(4) સુરક્ષા : આ ફોન સેલ્યુલર ફોન કરતાં વધુ સુરક્ષિત છે, કારણ કે તેનાં સિગ્નલો એનક્રિપ્ટેડ હોય છે, જે થર્ડ પાર્ટી સુધી જતી વાતચીતના ડેટાને અટકાવે છે અને વાતચીતના ઈન્ટરસેપ્ટને વધુ મુશ્કેલ બનાવે છે.

(5) વર્સેટિલિટી : સેટેલાઇટ ફોનનો ઉપયોગ તેલ અને ગેસ ક્ષેત્રે, ખાણકામ, વાહનવ્યવહાર, મનોરંજન સહિત વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં થઈ શકે છે. લોકો ગમે ત્યાં હોય સતત કનેક્ટેડ રાખવામાં મદદ કરે છે.

Back to top button