અમદાવાદગુજરાત

ગુજરાતના પૂર્વ DGPને બદનામ કરવાનો કારસો રચનારને સાયબર ક્રાઈમે મથુરાથી દબોચ્યો

Text To Speech

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં IPS અધિકારીના ખાસ ગણાતા યોગેશ ગુપ્તાને આજે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના મથુરાથી ઝડપી લીધો છે. યોગેશ ગુપ્તા દ્વારા પૂર્વ DGP આશિષ ભાટિયા સામે એક મહિલાની એફિડેવિટ કરવામાં આવી હતી. જેમાં આશિષ ભાટિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે એફિડેવિટ ખોટી હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ આ સમગ્ર રેકેટની અંદર કેટલાક લોકોની ATSએ ધરપકડ કરી હતી જ્યારે યોગેશ ગુપ્તાને વોન્ટેડ જાહેર કર્યો હતો.તેની દુષ્કર્મના ગુનામાં પણ સંડોવણી ખુલી છે. પોલીસ પકડી ન શકે એ માટે નામ બદલી અને વેશ પલટો કરી અલગ અલગ રાજ્યોમાં રહેતો હતો.

અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયાને બદનામ કરવા માટે કેટલાક તત્વોએ ભેગા મળીને આખો કારસો રચ્યો હતો અને એક એફિડેવિટ વાઇરલ કર્યું હતું. આ સોગંદનામાની અંદર આશિષ ભાટિયા સામે ગંભીર આક્ષેપો કરાયા હતા. એક મહિલા પાસે કરાવવામાં આવેલું આ સોગંદનામું આખું ખોટું હોવાનું સાબિત થયું હતું. આ સમગ્ર મામલે અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ગુના પણ નોંધવામાં આવ્યા હતા. આ સોગંદનામાં દરમિયાન ચાંદખેડાના એક બંગલામાં દુષ્કર્મની વાત પણ ચર્ચામાં આવી હતી અને આ બંગલો યોગેશ ગુપ્તાનો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

આરોપીને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે-તે સમયે IPS અધિકારીએ આરોપી યોગેશ ગુપ્તાના ઘણા બધા કામો કર્યા હોવાની ચર્ચા છે. ત્યારે યોગેશ ગુપ્તા પકડાયા બાદ હજી પણ કેટલીક વિગતો ખૂલે તેવી શક્યતા છે. યોગેશ ગુપ્તાની અમદાવાદ સાયબર ક્રાઇમે મથુરાથી ધરપકડ કરી છે. યોગેશ ગુપ્તા અલગ અલગ રાજ્યમાં પોતાનો વેશ પલટો કરીને છૂપાતો રહેતો હતો. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમને એક મહત્વની સફળતા મળી છે. હાલ સમગ્ર મામલે યોગેશની પૂછપરછ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેને રિમાન્ડ માટે આજે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃગુજરાતના 2 IPS અધિકારીઓ સહીત 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Back to top button