અમદાવાદની મહિલાને લીગલ નોટિસ હોવાનું કહી સાયબર ઠગોએ પડાવ્યા 60 લાખ
- અમદાવાદની એક મહિલાને ફોન આવ્યો કે તેની લીગલ નોટિસ મળી છે અને તેને ડાઉનલોડ કરવા માટે બે નંબર દબાવો. આ પછી તેના ખાતામાંથી લાખો રૂપિયા પલભરમાં ઉપડી ગયા
અમદાવાદ, 28 જુલાઈ: અમદાવાદની એક વૃદ્ધ મહિલાને સાયબર ઠગોની ટોળકીએ નિશાન બનાવ્યા છે. સાયબર ઠગોની ટોળકીએ ‘કાનૂની નોટિસ’ની જાળમાં ફસાવીને વૃદ્ધ મહિલાની જીવનભરની કમાણી લૂંટી લીઘી છે. મળતી માહિતી મુજબ, મહિલાને કોલ આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેમના નામ પર લીગલ નોટિસ આવી છે. તેમણે તેમને વધુ માહિતી માટે ચાલુ ફોનમાં 2 નંબર દબાવવા માટે કહ્યું. આ પછી IVR કૉલ શરૂ થયો અને તેણીએ લીગલ નોટિસ ડાઉનલોડ કરવાની સૂચનાઓનું પાલન કર્યું.
ગુનેગારો લોકોને કોઈ સરકારી એજન્સીના નામે કરી રહ્યા છે ફોન
સાયબર સેલના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે તેણીએ મોબાઈલમાં અંકો દબાવ્યા, ત્યારે ટ્રાન્ઝેક્શન આપમેળે શરૂ થઈ ગયું હતું અને ફોન નંબર સાથે જોડાયેલું તેમનું બેંક ખાતું ખાલી થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ મહિલાના ખાતામાં લગભગ 60 લાખ રૂપિયા હતા. મહિલાએ જણાવ્યું કે તેણીએ કોઈ વેબ લિંક પર ક્લિક કર્યું નથી. ઠગોએ સાયબર ફ્રોડની એક નવી રીત શોધી કાઢી છે. ગુનેગારો લોકોને કોઈ સરકારી એજન્સીના નામે ફોન કરે છે. આ સિવાય ઘણી વખત ટેલિકોમ કંપની અથવા કુરિયર કંપનીના નામે પણ કોલ કરતા હોય છે. આ પછી, તેઓ એક ખાસ નંબર દબાવવા માટે સુચન કરે છે અને તે નંબર દબાવ્યા બાદ ફોન દ્વારા ટ્રાન્ઝેક્શન કરાવી લે છે.
મોબાઈલનું નિયંત્રણ ગુનેગારોના હાથમાં હશે તો ખાતુ થઈ જશે ખાલી
આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું કે, ‘એક ખાસ બટન દબાવવા પર, એક લિંક બની જાય છે, જેના દ્વારા મોબાઇલને દૂરથી પણ નિયંત્રિત કરી શકાય છે. મોબાઈલમાં પ્રવેશ મેળવ્યા બાદ ગુનેગારો જુદા જુદા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. પીડિતને ખબર પડે ત્યાં સુધીમાં તેમનું ખાતું ખાલી પણ થઈ જાય છે. તેમણે કહ્યું કે ટ્રાન્ઝેક્શન માટે ઓટીપી જરૂરી છે પરંતુ જ્યારે મોબાઈલનું નિયંત્રણ ગુનેગારોના હાથમાં હોય તો તે મુશ્કેલ કામ નથી. તેમને OTP પણ સરળતાથી મળી જાય છે.’
સાયબર ઠગ શા માટે IVR નો સહારો લે છે?
હકીકતમાં, ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ છેતરપિંડી માટે બોલાવે છે, ત્યારે લોકો તેને ઓળખે છે. જો કે, IVR કોલ વધુ વિશ્વસનીય લાગે છે અને લોકો તેના પર સરળતાથી વિશ્વાસ કરે છે. આવી સ્થિતિમાં લોકોએ વિચારીને જ આવા કોલનો જવાબ આપવો જોઈએ. ઘણી વખત એવું પણ બને છે કે કોઈ છેતરપિંડી કરનાર ઓફિસર બનીને ફોન કરે છે અને એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે. આ પછી તે ફોનને કંટ્રોલ કરી લે છે. આ રીતે, સાયબર ઠગો હવે છેતરપિંડીની નવી રીતો લઈને આવ્યા છે, જેમાંથી બચવાનો એક જ રસ્તો છે અને તે છે સાવધાની.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરની લિથિયમ ખાણ સહિત 3 મહત્વપૂર્ણ ખનિજ બ્લોકની હરાજી રદ, જાણો કારણ