નૂપુર શર્માના નિવેદનનો વિવાદ, ભારત વિરુદ્ધ ‘સાયબર વૉર’
મોહમ્મદ પયગંબર પર નુપુર શર્માના નિવેદનને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતની સાથે સાથે વિદેશમાં પણ આક્રોશ ચાલુ છે. એવા અહેવાલ છે કે નૂપુર શર્માના પ્રોફેટ મોહમ્મદ વિશેના વિવાદાસ્પદ નિવેદનને કારણે કેટલાક મુસ્લિમ બહુમતી અથવા ઇસ્લામિક દેશોના હેકર્સે ભારત વિરુદ્ધ સાયબર યુદ્ધ શરૂ કર્યું છે. એક અહેવાલ મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માહિતી આપતા જણાવ્યું કે નુપુર શર્માના કેસ બાદ મલેશિયા અને ઈન્ડોનેશિયામાં બેઠેલા હેકર્સે ભારત વિરુદ્ધ સાયબર વોર શરૂ કર્યું છે.
2 હજારથી વધુ વેબસાઈટ હેક
રિપોર્ટ અનુસાર, બે હેકર જૂથોએ ભારત વિરુદ્ધ સાયબર યુદ્ધ શરૂ કર્યું છે. તેમના નામ ‘ડ્રેગન ફોર્સ મલેશિયા’ અને ‘હેકટીવિસ્ટ ઇન્ડોનેશિયા’ કહેવામાં આવી રહ્યા છે. અહેવાલ છે કે આ બંને જૂથોએ વિશ્વભરના મુસ્લિમ હેકર્સને પણ અપીલ કરી છે અને ભારત પર સાયબર હુમલાની તૈયારી શરૂ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે હેકર્સ ગ્રુપે ભારતમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વેબસાઈટ હેક કરી છે. જેમાં થાણે પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસની વેબસાઈટ અને આસામની એક ન્યૂઝ ચેનલનો સમાવેશ થાય છે.
ભારત પર હેકર્સ જૂથ દ્વારા હુમલો
મળતી માહિતી મુજબ, સાયબર ગુનેગારોએ નુપુર શર્માના સરનામા સહિતની અંગત વિગતો ઓનલાઈન પોસ્ટ કરી છે. ઘણા લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો પણ ઓનલાઈન લીક થઈ ગઈ છે.
સાયબર ક્રાઈમે કાર્યવાહી કરી
ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી આ સાયબર મુવમેન્ટની જાણ થતાં અમદાવાદ સાયબર ક્રાઈમ એક્શનમાં આવ્યું છે. એક્શન લઈને તેણે મલેશિયા અને ઈન્ડોનેશિયા સરકારને પત્ર લખ્યો છે. આ સાથે બંને જૂથો માટે ઇન્ટરપોલ લુકઆઉટ નોટિસ પણ લખવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.