ચીનના હેકર્સનો USમાં સાયબર અટેક, Salt Typhoonએ લોકોના કોલ ડિટેઈલની કરી ચોરી
- આ હેકિંગ ગ્રુપે અમેરિકાના મહત્ત્વપૂર્ણ ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે
HD ન્યૂઝ ડેસ્ક, 06 ડિસેમ્બર: ચાઈનીઝ હેકિંગ ગ્રુપ Salt Typhoon દ્વારા મોટી સંખ્યામાં અમેરિકનોના મેટા ડેટાની ચોરી કરવામાં આવી છે. એટલે કે કોણે કોની સાથે ક્યારે અને ક્યાં વાત કરી તે તમામ ડેટા તેમની પાસે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અમેરિકી પ્રશાસન સાયબર જાસૂસીના આ મામલામાં કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ હેકિંગ ગ્રુપે અમેરિકાના મહત્ત્વપૂર્ણ ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે.
We are taking decisive steps to address vulnerabilities in telecommunications networks following the Salt Typhoon cyberattack. pic.twitter.com/FLGCe9pS1I
— The FCC (@FCC) December 5, 2024
આ અઠવાડિયે બુધવારે અમેરિકન અધિકારીઓએ Salt Typhoonની આ ચોરી અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ એ સ્પષ્ટ કર્યું નથી કે, કેટલા અમેરિકન યુઝર્સ આનાથી પ્રભાવિત થયા છે. જો કે, તે ચોક્કસપણે સ્વીકાર્યું છે કે આ ગ્રુપ પાસે ઘણા લોકો વિશે માહિતી છે.
હેકર્સ પાસે કઈ માહિતી છે?
હેકર્સ પાસે યુઝર્સના કોલ રેકોર્ડનો મેટા ડેટા છે. તેમાં કોણે, ક્યારે અને ક્યાં ફોન કર્યો તેની તમામ માહિતી હોય છે. જોકે, હેકર્સ કોલ પર શું થયું તેની માહિતી મેળવી શક્યા નથી. નિષ્ણાતોના મતે જ્યારે આવો ડેટા મોટી સંખ્યામાં લીક થાય છે ત્યારે સંવેદનશીલ માહિતી લીક થવાનો ભય રહે છે.
લોકોની પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધીની વિગતો લીક થઈ શકે છે. સોલ્ટ ટાયફૂને ઓછામાં ઓછી 8 અમેરિકન ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને નિશાન બનાવી છે. તેમાં Verizon, AT&T, T-Mobile અને Lumen જેવા મોટા ખેલાડીઓના નામ સામેલ છે. જો કે, T-Mobileએ કહ્યું છે કે, તેના કોઈપણ ગ્રાહકનો ડેટા લીક થયો નથી. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે, કેટલાક કિસ્સાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં કોલ મેટા ડેટાની ચોરી થઈ છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘અમને ખાતરી છે કે મોટી સંખ્યામાં અમેરિકનોનો મેટા ડેટા ચોરાઈ ગયો છે.’
અમેરિકા મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે
અહેવાલ મુજબ, બુધવારે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ, CISA અને ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના વરિષ્ઠ અધિકારીઓએ એક બેઠક યોજી હતી. જેમાં સોલ્ટ ટાયફૂનની ગતિવિધિઓ અને તેની અસરોની ચર્ચા કરવામાં આવી છે.
સોલ્ટ ટાયફૂને વૈશ્વિક સ્તરે ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને નિશાન બનાવી છે. આ ચોરાયેલા મેટા ડેટાનો ઉપયોગ ઘણા હેતુઓ માટે થઈ શકે છે. આનો ઉપયોગ દેખરેખ, બ્લેકમેલ અને ચોક્કસ વ્યક્તિને ટ્રેક કરવા માટે થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો પડકાર બની શકે છે.
આ પણ જૂઓ: … તો તમે સાયબર ઠગ બની જાવ, હું શીખવાડી દઈશ બધું જ, જૂઓ કોને મળી આવી ઓફર