તાઈવાન અને ચીનમાં ચાલી રહેલ સંઘર્ષ હવે વાસ્તવિક દુનિયામાંથી સાયબર જગતમાં પ્રવેશી ચૂક્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધની જેમ અહીં પણ ધીમે ધીમે સાયબર હુમલા અને હેકિંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચાઈનીઝ હેકર્સે તાઈવાનની સરકારી વેબસાઇટ હેક કરી હતી. હેકર્સે તાઈવાનની એક-બે નહીં પરંતુ ઘણી સરકારી વેબસાઇટને નિશાન બનાવી છે. તાઈવાન ન્યૂઝે આ વાતની જાણકારી આપી છે. આ વેબસાઇટ્સ પર ચીનનો ધ્વજ દેખાઈ રહ્યો છે. સાયબર વર્લ્ડની જેમ જ ચીને વાસ્તવિક દુનિયામાં પણ તાઈવાનની ઘેરી લીધું છે. યુએસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતને કારણે ચીન ગુસ્સે છે અને સતત તાઈવાનને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે ચીનમાં તાઈવાનની આસપાસ ફાયર ડ્રિલ શરૂ કરવામાં આવી છે.
તાઈવાનની સરકારી વેબસાઇટ 10 કલાક સુધી હેક
તાઇવાન સરકારની વેબસાઇટ પર લગભગ 10 કલાક સુધી ચીનના ધ્વજની તસવીર લાગેલી રહી. તાઇવાનની સરકારી વેબસાઇટ પર શુક્રવારની મોડી રાતથી શનિવાર સવાર સુધી ચીનનો ધ્વજ દેખાતો રહ્યો. ચીને તાઈવાનને ચારે બાજુથી ઘેરી લીધું છે. જ્યાં હેકર્સ સાયબર વર્લ્ડમાં તાઈવાનને નિશાન બનાવી રહ્યા છે. ચીને વાસ્તવિક દુનિયામાં ફાયર ડ્રિલ શરૂ કરી છે. તાઈવાન વેપાર ક્ષેત્રે પણ પડકારોનો સામનો કરી રહ્યું છે.
ચીને નિયમો કડક કર્યા, Appleએ સપ્લાયર્સને ચેતવણી આપી
તાઈવાનથી ચીન આવતા શિપમેન્ટને રિવ્યુ અને કસ્ટમ ચેકના નામે રોકવામાં આવી રહ્યા છે. દિગ્ગજ અમેરિકન કંપની Appleએ તેના સપ્લાયર્સને આ અંગે ચેતવણી આપી છે. ગુરુવારે, Apple સપ્લાયર Pegatron તરફથી એક શિપમેન્ટ રિવ્યૂ માટે મોકલવામાં આવ્યું હતું કારણ કે તેના પર Made In Taiwan નું લેબલ લાગેલું હતું. જોકે Appleએ સત્તાવાર રીતે આ અંગે કંઈ કહ્યું નથી.
અહેવાલો અનુસાર જો કોઈ આયાતી ઘોષણાપત્ર, દસ્તાવેજ અથવા કાર્ટન પર ‘મેડ ઈન તાઈવાન’નું લેબલ લાગેલું હોય તો શિપમેન્ટને કસ્ટમ્સ તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમોના ઉલ્લંઘન પર 4000 યુઆન (લગભગ 47 હજાર રૂપિયા)નો દંડ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, શિપમેન્ટ રિજેક્ટ પણ થઈ શકે છે.