CWG-2022 : નિયમોની ઐસી-તૈસી, કોરોના પોઝિટિવ ખેલાડી મેદાન પર ઉતર્યો અને ગોલ્ડ મેડલ જીત્યો
હાલ વિશ્વના રમતવીરોની નજર બર્મિંગહામમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ-2022 પર છે. પણ તેમાં હવે સૌથી મોટી ભૂલ સામે આવી છે, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે ગોલ્ડ મેડલનો મુકાબલો કરવા મેદાનમાં ઉતરી હતી.આ મુકાબલામાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવા છતાં પણ મેદાનમાં રમવા માટે ઉતરી હતી. ઓસ્ટ્રેલિયાની તાહલિયા મૈક્ગ્રા આ મેચમાં રમી હતી અને તે પણ ખેલાડીઓમાં સામેલ હતી.જો કે હવે તેના વિરુદ્ધ ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : કોમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલીમાં ભારત 5મા સ્થાને, અત્યાર સુધીમાં કુલ 55 મેડલ મેળવ્યાં
કોરોના પોઝિટિવ મૈક્ગ્રા ગોલ્ડ મેડલ મેચમાં રમી
આ પહેલી ઘટના હતી જેમાં ખેલાડી કોરોના પોઝિટિવ હોવા છતાં મેદાન પર ઉતર્યું હોય. ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર તાહલિયા મૈક્ગ્રા ભારત સામેની ગોલ્ડ મેડલ મેચ પહેલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. મેચ પહેલા જ આટલા મોટા ખેલાડીને ગુમાવવાની ટીમને ચિંતા હતી પરંતુ ટીમ મેનેજમેન્ટ અને કોમનવેલ્થ ગેમ્સના આયોજકોએ ઓસ્ટ્રેલિયાની મેક્ગ્રાને મેદાનમાં ઉતરવાની મંજૂરી આપી હતી. મેચ દરમિયાન તે સંપૂર્ણપણે સક્રિય દેખાઈ અને બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપ્યું હતું.
મૈક્ગ્રાએ ખેલાડીઓ સાથે અંતર જાળવી રાખ્યું હતું
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મેચ રમવા આવેલી મેક્ગ્રાએ મેદાનમાં બાકીના ખેલાડીઓથી અંતર જાળવી રાખ્યું હતું. ભારતીય ઓપનર શેફાલી વર્માની કેચ પકડ્યા બાદ જ્યારે કેટલીક ખેલાડીઓ તેની પાસે જશ્ન મનાવવા જઈ રહી હતી ત્યારે તેણે હાથ વડે પાછળ રહેવાનો ઈશારો કર્યો હતો.
રવિવારે કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમો આમને-સામને હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેથ મૂનીની અડધી સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 8 વિકેટે 161 રન બનાવ્યા હતા. છેલ્લી ચાર ઓવરમાં ભારતીય ટીમે શાનદાર ફિલ્ડિંગ અને બોલિંગના જોરે વાપસી કરીને ઓસ્ટ્રેલિયાને રોકી દીધું હતું.