પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપો નહિ તો ક્ષત્રિય સમાજ ઉમેદવારને મેદાનમાં ઉતારશે: શેરસિંહ રાણા
- રાજકોટમાં રૂપાલા સામે ઉમેદવાર મેદાનમાં ઉતારીશું
- આજે ક્ષત્રિય સમાજને શૂન્ય પર લાવવા પ્રયાસ થઈ રહ્યા છે
- ભાજપે રૂપાલાની ટિકિટ કાપવાની માગણી પૂરી કરવી જોઈએ
ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય આગેવાન અને રાષ્ટ્રીવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે આવ્યા હતા. જેમાં પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપે રૂપાલાની ટિકિટ કાપવાની માગણી પૂરી કરવી જોઈએ.
રાજકોટમાં રૂપાલા સામે ઉમેદવાર મેદાનમાં ઉતારીશું
આ માત્ર આંદોલન નથી પણ જરૂર પડશે તો રાજકોટમાં રૂપાલા સામે ઉમેદવાર મેદાનમાં ઉતારીશું. પરશોત્તમ રૂપાલાએ માફી માગી પણ તેમાંય એટિટયૂડ છે. તેમજ ક્ષત્રિયોના ઝંડા અને મજબૂત દંડા લઈને કમલમ તરફ કૂચની તૈયારી છે. આજે ક્ષત્રિય સમાજને શૂન્ય પર લાવવા પ્રયાસ થઈ રહ્યા છે, સમાજને આજે જવાબ આપવાની જરૂર છે. એક તરફ કરણી સેનાએ ભાજપ કાર્યાલય કમલમનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી, જાણો કઇ તારીખે ખાબકશે માવઠું
દલિત સમાજે ભાજપની વાતમાં આવવું ન જોઈએ
ક્ષત્રિયોના ઝંડા અને મજબૂત દંડા લઈને કમલમ તરફ કૂચ કરવાની તૈયારી દર્શાવાઈ છે. ક્ષત્રિય આગેવાને જણાવ્યું હતું કે, ભાજપે એ જાહેર કરવાનું છે કે, આ તમારું ષડયંત્ર છે કે પછી રૂપાલાની ભૂલ હતી, જો ટિકિટ કાપવા મુદ્દે જલદી નિર્ણય નહિ લેવાય તો આ મુદ્દાને દેશભરમાં લઈ જવાશે. ભાજપ જો ઉમેદવાર ન બદલે તો ક્ષત્રિય સમાજે સમજી લેવાનું છે કે, આ ભાજપની જ ચાલ છે. આંદોલન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પત્રકાર પરિષદમાં કહેવાયું હતું કે, દલિત સમાજે ભાજપની વાતમાં આવવું ન જોઈએ.