ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધાઓને મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કારો એનાયત
- મુખ્યમંત્રીના હસ્તે સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિવિશેષને એવોર્ડ અપાયા.
યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ અને સેવ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ યોજાયો. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કાર, સંસ્કૃતિ અને શીલના રક્ષણ માટે કાર્યરત યોદ્ધાઓના સન્માન માટે તેમણે યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ તથા સેવ કલ્ચર ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ ૮ વ્યક્તિવિશેષને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં થયેલા જીએસટીના વિક્રમી કલેક્શનનો ઉલ્લેખ કરી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ ક્ષેત્રોમાં વિકાસલક્ષી વ્યાપક પરિવર્તનો કર્યા છે. જેના પરિણામે છેવાડાના માનવી સુધી આરોગ્ય અને શિક્ષણ જેવી માળખાગત સુવિધાઓ પહોંચી રહી છે. જેથી કોઈપણ વિકટ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પડખે હોવાનો અહેસાસ દેશવાસીઓ કરી રહ્યા છે. યુવાનોને સદમાર્ગે આગળ વધારવાના સરકારના પ્રયાસમાં સાંસ્કૃતિક યોદ્ધાઓનો સતત સહયોગ મળી રહ્યો છે. શીલ, સંસ્કૃતિ અને સદાચારની રક્ષા કરનારને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સહુ નાગરિકોને પણ સાંસ્કૃતિક યોદ્ધા બનવાનું આહવાન કર્યું હતું.
સામાજિક દૂષણ સામેની લડાઈ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની: હર્ષ સંઘવી
આ અવસરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વિશ્વને ભારતની અસ્મિતાની ઓળખ કરાવી દરેક ભારતીયમાં રાષ્ટ્રભાવના જગાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સંયુક્ત કુટુંબ અને સમાજમાં એકતા એ આપણી સંસ્કૃતિ છે. જેની જાળવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં અસરકારક કામગીરી થઈ રહી છે.
ડ્રગ્સ વિરોધી અભિયાનનો ઉલ્લેખ કરી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના હજારો યુવાનોને ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરાવવાનું કામ રાજ્યના પોલીસ વિભાગે કર્યું છે. કાયદાની સાથે કાઉન્સેલિંગ થકી અનેક પરિવારોને વિખેરાતા બચાવાયા છે.
હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, સામાજિક દૂષણ સામેની લડાઈ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની છે. વાલીઓને અપીલ કરતાં તેમણે કહ્યું કે, સંતાનોને ભૌતિક સુખ-સુવિધા અને મોંઘીદાટ વસ્તુઓ આપવાની સાથે સંસ્કાર આપી પોતાની ફરજ પ્રત્યે સભાન બનાવવા પણ જરૂરી છે. સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર દ્વારા અન્ય લોકોને પણ સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનની પ્રેરણા મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં કપાસના વાવેતરમાં આ વિસ્તાર છે પ્રથમ નંબરે