12 મે, ચેન્નાઈ: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધીમી પીચ અને દિવસની મેચ હોવાને કારણે તેમનો આ નિર્ણય યોગ્ય પણ લાગતો હતો. પરંતુ પીચે તેનો રંગ પહેલી ઓવરથી જ દેખાડવાનો શરુ કરી દીધો અને આવા સંજોગોમાં રાજસ્થાનને રન બનાવવામાં તકલીફ પડી રહી હતા.
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર અને સંજુ સેમસન તમામ શોટ્સ લગાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ આ સિઝનમાં ફોર્મમાં રહેલા રિયાન પરાગે ફટાફટ બેટિંગ કરી હતી. રિયાન પરાગને કારણે જ રાજસ્થાન રોયલ્સ 141નો સ્કોર ઉભો કરી શક્યું હતું. જો કે ધ્રુવ જુરેલની બેટિંગની પણ અહીં નોંધ લેવી જોઈએ, તેણે પણ ઝડપી બેટિંગ કરીને રાજસ્થાનને લડાયક સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત થોડી અલગ રહી હતી. રચીન રવિન્દ્રએ ઝડપી શરૂઆત આપી જેને કારણે ચેન્નાઈ પહેલેથી જ રાજસ્થાનની આગળ થઇ ગયું હતું. પરંતુ એક પછી એક વિકેટો પડવા લાગતા ચેન્નાઈના કેમ્પમાં ભયનું વાતાવરણ જરૂર ઉભું થઇ ગયું હતું. પરંતુ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ એક છેડો સંભાળીને રમતો હતો અને છેવટે તેની ધીરજ જ કામ કરી ગઈ અને ચેન્નાઈનો વિજય નિશ્ચિત બની ગયો.
મેચમાં વિવાદાસ્પદ પળ ત્યારે આવી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાને રન આઉટ કરવા માટે સંજુ સેમસને બોલ ફેંક્યો હતો અને જાડેજા થ્રો અને સ્ટમ્પસની વચ્ચે જાણીજોઈને આવી ગયો હતો. ક્રિકેટના નિયમ અનુસાર ઓનફિલ્ડ અમ્પાયરોએ થર્ડ અમ્પાયરને આ બાબત રીફર કરી હતી. થર્ડ અમ્પાયરને પણ જાડેજાએ જાણીજોઈને થ્રો અને સ્ટમ્પસ વચ્ચે આવ્યા હોવાનો નિર્ણય કરીને તેને obstructing the field ના નિયમ હેઠળ આઉટ આપ્યો હતો.
આ મેચ ચેન્નાઈના ક્રાઉડ માટે અત્યંત મહત્વની હતી કારણકે આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સની હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ હતી. આથી ચેન્નાઈના ફેવરીટ એવા થાલા એટલે ધોનીને કદાચ આ ક્રાઉડ છેલ્લી વખત જોઈ રહ્યું હોય તે શક્યતાને નકારી ન શકાય. કારણકે જો ચેન્નાઈ પ્લેઓફ્સ માટે ક્વોલીફાય પણ થાય તો પણ ક્વોલિફાયર 1 અને એલીમીનેટર અમદાવાદમાં છે.
આમાંથી જો ચેન્નાઈ એલીમીનેટર રમે અને તેમાં હારી જાય તો પછી તે ક્વોલિફાયર 2 માં રમી નહીં શકે જે ચેન્નાઈમાં છે.