24 મે, ચેન્નાઈ: CSKના CEO દ્વારા ટીમના મહત્વપૂર્ણ ખેલાડી અને પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંઘ ધોનીની નિવૃત્તિ અંગે બહુ મહત્વનું નિવેદન આપ્યું છે. છેલ્લી ત્રણ સિઝનથી ધોની ક્યારે IPLમાંથી નિવૃત્તિ લેશે તેની અટકળો ચાલી રહી છે. આ વર્ષે જે રીતે ધોનીએ નીચલા ક્રમે આવીને બેટિંગ કરી અને તેના પગનાં સ્નાયુઓમાં ઈજા થઇ છે એ સમાચાર જાણવા મળ્યા છે, એવું લાગતું હતું કે આ વર્ષે તે જરૂર IPLમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી દેશે.
પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની છેલ્લી મેચ હાર્યા બાદ મહેન્દ્ર સિંધ ધોની બીજી સવારે જ બેંગલુરુથી રાંચી જતો રહ્યો હતો અને તેણે પોતાનો નિર્ણય જણાવ્યો ન હતો. હવે CSKની યુટ્યુબ ચેનલ પર CSKના CEO કાસી વિશ્વનાથને ધોનીની નિવૃત્તિ અંગે એક મોટો ખુલાસો કર્યો છે.
નિવૃત્તિ અંગેના પ્રશ્નના જવાબમાં વિશ્વનાથને જણાવ્યું હતું કે, ‘મને ખબર નથી. આ એક એવો પ્રશ્ન છે જેનો ઉત્તર ફક્ત ‘એમએસ’ જ આપી શકશે. અમે કાયમ એમએસના નિર્ણયનું સન્માન કર્યું છે. આ નિર્ણય પણ અમે તેના ઉપર જ છોડી દીધો છે.’
વિશ્વનાથને આગળ જણાવ્યું હતું, ‘જેમ તમે જાણો જ છો કે તેણે પોતાના તમામ મહત્વના નિર્ણયો યોગ્ય સમયે જાહેર કર્યા છે. આથી આપણે એવી આશા રાખવી જોઈએ કે આ બાબતનો નિર્ણય અને તેની જાહેરાત પણ તેને જ્યારે યોગ્ય સમય લાગશે ત્યારે જ કરશે. પરંતુ અમે ખૂબ ખૂબ આશાવાદી છીએ કે તે આવતા વર્ષે CSK અંતે ઉપલબ્ધ રહેશે. અત્યારે તો હું આટલું જ કહી શકીશ.’
ગયા વર્ષે ધોનીએ પોતાના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ આ વર્ષની IPL સિઝનમાં ધોની મોટેભાગે નીચલા ક્રમે આવીને જ બેટિંગ કરી રહ્યો હતો જેમાં તેણે 73 બોલ્સમાં 161 રન્સ કર્યા છે અને તેની સ્ટ્રાઈક રેટ 220.55ની રહી છે. તેણે આ વર્ષે વિકેટકીપિંગ પણ ઠીકઠાક કરી હતી. ઉપરાંત CSKના નવા કપ્તાન ઋતુરાજ ગાયકવાડને તેણે ફિલ્ડીંગ બાબતે સતત માર્ગદર્શન આપ્યું હતું.
ધોનીનો નિર્ણય ગમે તે હોય પરંતુ તેણે આ નિર્ણય બહુ જલદી લઇ લેવો પડશે, કારણકે મોટેભાગે આ વર્ષના અંતે આવતા ત્રણ વર્ષ માટે IPLનું મેગા ઓક્શન થવાનું છે, આથી ધોનીને રીટેઇન કરવો કે નહીં તે CSK દ્વારા એ ઓક્શન પહેલાં નક્કી કરવું જરૂરી છે.