જંબુસરમાં માછીમારોની જાળમાં ફસાયું સ્ફટિકનું શિવલિંગ, દર્શન કરવા લોકોની ભીડ ઊમટી
ભરૂચ, 8 ફેબ્રુઆરી 2024, જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતાં લોકોની દર્શન માટે ભીડ ઉમટી છે. બુધવારે દરિયામાં માછીમારી પકડવા ગયેલા માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું, પરંતુ એ ઘણું વજનદાર હોવાથી માછીમારો ભારે જહેમતથી શિવલિંગને બોટમાં મૂકીને કાવી દરિયાકિનારે લાવ્યા હતા. આ ઘટના વાયુવેગે પ્રસરતાં દરિયાકાંઠે શિવલિંગના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
View this post on Instagram
ભારે જહેમત બાદ કાવીના દરિયાકિનારે લાવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાવી ગામના માછીમારીનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત અન્ય 12 જેટલા માછીમારો બોટ લઈને દરિયામા ધનકા તીર્થ પાસે તેમણે બાંધેલી જાળમાંથી માછલીઓ કાઢવા માટે ગયા હતા. આ સમયે માછીમારોની જાળમાં વજનદાર પત્થર જેવું કંઇક ફસાઈ જતાં માછીમારોએ એને ઊંચકવાનો પ્રયત્ન કરતાં તેમનાથી ઊચકાતું નહોતું. જેથી માછીમારોએ અન્ય બોટના માછીમારોની મદદ મેળવી 10થી 12 વ્યક્તિઓએ ભેગા મળીને વજનદાર પત્થરને ઊંચકી બોટમાં ચઢાવ્યો હતો અને ભારે જહેમત બાદ કાવીના દરિયાકિનારે લાવ્યા હતા.
ગ્રામજનો શિવલિંગને શિવમંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે
દરિયાકિનારે લાવ્યા બાદ માછીમારોએ જાળમાંથી બહાર કાઢી સાફ કરીને જોતાં એ સ્ફટિકનું શિવલિંગ અને એમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનોના ટોળેટોળા શિવલિંગને જોવા ઊમટી પડ્યાં હતાં. આ અંગે માછીમારોએ કાવીના પીએસઆઈ વૈશાલી આહીરને જાણ કરી હતી. પીએસઆઈએ મીડિયાને કહ્યું હતું કે, માછીમારોને મળેલી વસ્તુ શિવલિંગ છે. આખું શિવલિંગ ટેબલ પર મૂકવામાં આવતાં પેપર વેઇટ જેવું છે. એમાં ચાંદીનો શેષનાગ દેખાઇ રહ્યો છે જેને મેં જાતે જઈને જોયો છે. હાલમાં ગ્રામજનો આ શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ અથવા અન્ય શિવમંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે.
આ પણ વાંચોઃગુજરાતની ગંગા સમાન પવિત્ર નર્મદા નદિનો આજથી જયંતી મહોત્સવ