ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EVM અને VVPATનું ક્રોસ વેરિફિકેશન કરતાં કોઈ ચેડાં ન થયા હોવાનું સ્પષ્ટ થયું

  • ચૂંટણીમાં EVM સાથે છેડછાડના આરોપો ફરી પાયાવિહોણા સાબિત થયાં, હારેલા કેટલાક ઉમેદવારોને ઝટકો 

નવી દિલ્હી, 30 ઓગસ્ટ: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વધુ એક ટેસ્ટમાં સફળ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં હારેલા દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ પક્ષોના ઉમેદવારોએ EVM પર આશંકા વ્યક્ત કરી, ત્યારે દરેકના દાવાઓની તપાસ શરૂ થઈ. ઉમેદવારોની માગણી મુજબ, EVM અને VVPAT મેચ કરવામાં આવ્યા અને અત્યાર સુધી EVM સાથે ચેડાંના દાવાને સમર્થન આપતા એક પણ પુરાવા મળી આવ્યા નથી. EVM-VVPAT ચેકિંગ એન્ડ વેરિફિકેશન (C&V)ની પ્રક્રિયા માત્ર તમિલનાડુમાં જ પૂર્ણ થઈ નથી, બાકીના રાજ્યોમાંથી મળેલી ફરિયાદોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં પણ C&V પ્રક્રિયા એક-બે દિવસમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. 1 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં EVM-VVPAT ચેકિંગ અને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય છે.

વિપક્ષી પાર્ટીઓ EVMમાં ​​ગેરરીતિઓ પર સવાલ ઉઠાવી રહી છે, પરંતુ અત્યાર સુધીની તપાસમાં કોઈ ગેરરીતિ બહાર આવી નથી. આ વખતે જ્યારે લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે ફરી એકવાર EVM વિરુદ્ધની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચી. સુપ્રીમ કોર્ટના આદેશ પર હાથ ધરાયેલી તપાસમાં EVM સાથે છેડછાડના આરોપો ફરી પાયાવિહોણા સાબિત થયા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પર કરવામાં આવી તપાસ 

અહેવાલો મુજબ, સંભવિત છેડછાડના આરોપોની તપાસ કરવા માટે EVM-VVPAT મેમરી ચેકમાં હજુ સુધી કોઈ ખામીઓ જોવા મળી નથી. રાષ્ટ્રીય ચૂંટણીપંચે, સુપ્રીમ કોર્ટના આદેશ પર, પ્રથમ વખત દરેક મતવિસ્તારમાંથી બે પરાજિત ઉમેદવારો માટે તેમની આશંકાઓ ઉકેલવા માટે દરવાજા ખૂલ્યા હતા. જેમાં કોઈપણ મતદારક્ષેત્રમાંથી બે હારેલા ઉમેદવારોને 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના સાત દિવસની અંદર EVM-VVPAT મેચિંગની માંગ કરવાનો અધિકાર હતો.

મુખ્ય તથ્યો

  • આઠમાંથી બે C&V અરજીઓમાં પર તપાસ બે પેન્ડિંગ રાખવામાં આવી, કારણ કે ઉમેદવારોએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
  • બે કિસ્સાઓમાં, C&V પ્રક્રિયાઓ બંધ કરવામાં આવી હતી કારણ કે ફરિયાદ કરનારા ઉમેદવારો આવ્યા ન હતા.
  • ચાર C&V પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી અને તેમાંથી કોઈપણમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી.

જાણો કયાં રાજ્યના કયા મતવિસ્તારમાંથી કેટલી અરજીઓ આવી?

લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી, 543 મતવિસ્તારોમાંથી માત્ર આઠમાંથી તપાસ અને ચકાસણીની અરજીઓ મળી હતી. આ અરજીઓ છ રાજ્યોના 92 મતદાન મથકો સાથે સંબંધિત હતી. તે જ સમયે, વિધાનસભા ચૂંટણીમાં, બે રાજ્યોમાં 26 મતદાન મથકોને લગતી ત્રણ અરજીઓ મળી હતી.

  1. તમિલનાડુ: વેલ્લોર સંસદીય મતવિસ્તારના ઉમેદવાર એ.સી. ષણમુગમે તપાસ અને ચકાસણી માટે અરજી કરી હતી. જ્યારે વિરુધુનગરથી DMDK ઉમેદવાર વિજય પ્રભાકરણ વીએ અરજી કરી હતી. તેઓ કોંગ્રેસના મણિકમ ટાગોર સામે 4,379 મતોથી હારી ગયા હતા.
  2. મહારાષ્ટ્ર: અહમદનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુજય વિખે પાટીલે C&V અરજી દાખલ કરી હતી. તેઓ શરદ પવારના ગ્રુપના NCP ઉમેદવાર નીલેશ લંકે સામે 28 હજાર મતોથી હારી ગયા હતા.
  3. હરિયાણા: પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની જીત સામે વાંધો ઉઠાવતી અરજી આપવામાં આવી હતી. અરજદારે C&V પ્રોટોકોલમાં જ ફેરફારની માગણી કરી હતી, જેને જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) દ્વારા નકારી કાઢવામાં આવી હતી. હરિયાણાના ફરીદાબાદ અને કરનાલના કોંગ્રેસના ઉમેદવારોએ પણ C&V અરજીઓ દાખલ કરી હતી.
  4. છત્તીસગઢ: કાંકેર લોકસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવારે C&V અરજી દાખલ કરી હતી .
  5. તેલંગાણા: ઝહીરાબાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સામે હાર્યા બાદ બી.બી. પાટીલે C&V અરજી સબમિટ કરી હતી.
  6. આંધ્ર પ્રદેશ: વિજયનગરમ લોકસભા મતવિસ્તારના વાય.એસ.આર કોંગ્રેસના ઉમેદવાર બેલન્ના ચંદ્રશેખરે તપાસ અને પુષ્ટિની માંગ કરી હતી. ગજપતિનગરમ અને ઓંગોલ વિધાનસભા મતવિસ્તારના YSR ઉમેદવારોએ C&V અરજીઓ દાખલ કરી હતી.
  7. ઓડિશા: ઝારસૂગુડા લોકસભા બેઠક પરથી BJD ઉમેદવાર દીપાલી દાસ ભાજપના ઉમેદવાર સામે ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગયા. તેમણે 13 મતદાન મથકો પર EVM-VVPAT તપાસની માંગ કરી હતી.

આ પણ જૂઓ: યુપી પોલીસના 3 કોન્સ્ટેબલ સહિત 6ની ધરપકડ, જાણો ચોંકાવનારું કારણ

Back to top button