ચૂંટણી આચારસંહિતા વચ્ચે સુરતમાંથી ઝડપાયું કરોડોનું સોનુ અને રોકડ


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં લાગેલી આચારસંહિતા વચ્ચે સુરતમાંથી કરોડોનું સોનુ અને રોકડ ઝડપાઇ છે. આ મુદ્દામાલ સાથે બે શખશોની ધરપકડ પણ કરવામાં આવી છે. નિયોલ ચેકપોસ્ટ પાસેથી આ બંનેને ઝડપી લઈ તેઓ આ સોનુ અને રોકડ ક્યાંથી લાવ્યા હતા ? અને કોને આપવા જતા હતા ? તે હજુસુધી સામે આવ્યું નથી.
ચાલીને જતા શખસોને શંકાને આધારે અટકાવી તલાશી લેવાઈ
મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભા ઇલેક્શનને ધ્યાને રાખી પોલીસ સતત તપાસમાં જોતરાઈ છે ત્યારે સારોલી પોલીસ નિયોલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ રહી હતી. દરમિયાન પોલીસને કડોદરા રોડ તરફથી સુરત શહેર તરફ ચાર કોલેજિયન બેગ સાથે પગપાળા બે યુવાન આવી રહ્યા હતા. ત્યારે તેમને જોઈ પોલીસને તેમની પર શંકા ગઈ હતી. જેથી પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરી બેગની તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બેગમાંથી લાખો રૂપિયા અને લાખોની કિંમતનાં સોનાનાં બિસ્કિટ મળી આવ્યાં હતાં. આટલી મોટી માત્રામાં રૂપિયા અને સોનાનાં બિસ્કિટ મળી આવતા બંને યુવાનોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે શું કબ્જે કર્યું ?
સુરતની સારોલી પોલીસે પંચની સાથે રાખીને બંને યુવાનોની સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી હતી.દરમિયાન બંને યુવાનો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલ બંને યુવાનોનાં નામ સુધીરસીંગ શ્રીરામલખનસીંગ સેંગર અને રજનેશપૌલ ઉત્તમકુમાર વાર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. પંચને સાથે રાખીને પોલીસ તેમના બેગની તપાસ કરી રહી હતી ત્યારે તેમની બેગમાંથી રોકડા રૂ. 63.88 લાખ અને સોનાનાં 15 નંગ બિસ્કિટ કિંમત રૂ. 52.50 લાખ, બે લેપટોપ અને 4 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,16,99,700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પકડાયેલ બંને આરોપી પાસેથી મળી આવેલી આટલી મોટી રકમ અને સોનાનાં બિસ્કિટ તેઓ ક્યાંથી લાવ્યા હતા કોને ડિલિવરી કરવાનાં હતાં તેની પાછળનો શું ઈરાદો હતો, તે તમામ બાબતે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. જોકે પકડાયેલ બંને આરોપીએ રૂપિયા અને સોનાનાં બિસ્કિટ અંગે યોગ્ય પુરાવા આપી શક્યા નથી.