વડોદરામાં શિવમંદિર તરફના રસ્તે ભરાયેલા પાણીમાં 3 મગર હતા, ભક્તોને પોલીસે રોક્યા
વડોદરા, 12 ઓગસ્ટ 2024, કોટેશ્વર ગામમાં મહાદેવનું મંદિર છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી મંદિરમાં હજારો શિવભક્તો દર્શન માટે આવી રહ્યાં છે. પરંતુ ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર માટે રસ્તો બંધ કરી દેવાયો છે. આ રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવીને લોકોને આગળ વધતા અટકાવવામાં આવ્યાં છે. શિવભક્તોને ભગવાનના દર્શન વિના પરત ફરવું પડતાં રોષની લાગણી ફેલાઈ છે. જ્યારે પોલીસ કર્મીઓ દ્વારા શ્રદ્ધાળુઓને કહેવામાં આવી રહ્યું છે કે, આગળ ત્રણ મગર છે એટલે લોકોને રોકીએ છીએ. જેથી ભક્તોએ ભગવાનના દર્શન વિના જ પરત ફરવું પડ્યું છે.
ભગવાનના દર્શન નહીં થતાં શ્રદ્ધાળુઓ નિરાશ થયાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના વડસર ગામથી કોટેશ્વર ગામ તરફ જતા રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા આ રસ્તાને બંધ કરીને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં પાણી વધારે છે અને પાણીમાં મગર હોવાથી પોલીસ ગામમાં જતા લોકોને અટકાવી રહી છે. જેને કારણે શ્રદ્ધાળુઓ કોટેશ્વર મહાદેવના દર્શન નહીં કરી શકતા નિરાશ જોવા મળ્યા હતાં.કેટલાક શ્રદ્ધાળુઓએ તો ત્યાં પાણીમાં જ બીલીપત્ર ચડાવીને દૂરથી જ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી લીધી હતી. પોલીસે લોકોને સમજાવતા કહ્યું હતું કે, અહીં ત્રણ મગરો છે જેથી અમે તમને રોકી રહ્યા છીએ બાકી અમે કોઈને ક્યારેય રોકતા નથી.
અહીં પાણીના નિકાલની વ્યવસ્થા કરો અથવા બ્રિજ બનાવો
શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, કોટેશ્વર મહાદેવ મંદિર તરફ રોડ પર પાણી ભરાઈ જતા જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી અમે દર્શન કરી શક્યા નથી. સરકારને વિનંતી કરીએ છીએ કે અહીંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરો અથવા અહીં બ્રિજ બનાવો. જેથી ભક્તોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે.સરકારે બાબતે વિચારવું જોઈએ અને સારો રોડ પર બનાવવો જોઈએ. જેથી લોકો શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવના દર્શન કરી શકે. અહીં પાણી ભરાયેલું છે અને ખૂબ મગરો છે, જેથી અમને દર્શન માટે જવા દેવાયા નથી. સરકાર તરફથી કે કોર્પોરેશન તરફથી અહીં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સરકાર આટલા બધા ટેક્સ લે છે, પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરતી નથી.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં ૩૧ વર્ષ જૂના દશામાના મંદિરે ભાવિકોનો ભારે ઘસારો