વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગર યુવકને ખેંચી ગયો, ફાયર બ્રિગેડને યુવકનો મૃતદેહ મળ્યો
વડોદરા, 7 ડિસેમ્બર 2023, (Vadodara News) શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે સવારે એક યુવકને મગર ખેંચી ગયો હોવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.(Vishvamitri River) ફાયરના જવાનોએ નદીમાં બોટ ઉતારી મગરને પથ્થરો મારતાં જ મગરે પોતાના જડબામાં રહેલા યુવકને છોડ્યો હતો.(crocodile attack)ત્યાર બાદ ફાયરના જવાનોએ યુવકને ભારે જહેમત બાદ નદીની બહાર કાઢયો હતો પણ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
મગરના જડબામાંથી યુવકને બચાવવા ફાયર બ્રિગેડ કામે લાગી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા શહેરમાં ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં આજે સવારે એક યુવકન મગર ખેંચીને લઈ ગયો હતો. આ ઘટનાને એક વ્યક્તિએ જોઈ જતાં તાત્કાલિક ફાયરબ્રિગેડને કોલ કરીને બોલાવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને યુવકને મગરના જડબામાંથી બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. નદીમાં અસંખ્ય મગર હોવાથી ફાયરના જવાનોને યુવકનું રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મગર યુવકને ખેંચીને દૂર લઈ ગયો હોવાથી ફાયરના જવાનોને રેસ્ક્યૂ કરતાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. મગરને પથ્થરો મારતાં જ તેણે યુવકને જડબામાંથી છોડ્યો હતો અને મગર ત્યાંથી જતો રહ્યો હતો. ત્યાર બાદ ફાયરના જવાનોએ બોટની મદદથી યુવકના મૃતદેહને નદીની બહાર કાઢ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં યુવકનું મૃત્યુ થયું હતું.
એક કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો
આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે યુવકની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી છે.વડોદરાના દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ઓફિસર મનોજ સીતાપરાએ મીડિયાને જણાવ્યું હતું કે, ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં એક યુવકને મગરને ખેંચીને લઈ જઈ રહ્યો હોવાનો કોલ મળ્યો હતો. જેથી અમે સ્થળ પર પહોંચી ગયા હતા. અમે જ્યારે પહોંચ્યા એ સમયે મગર યુવકને ખેંચીને લઈ જઈ રહ્યો હતો, જેથી અમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. યુવકની ઉંમર 35થી 40 વર્ષ હોવાનું જણાય છે, જોકે, યુવકની ઓળખ થઈ શકી નથી.
આ પણ વાંચોઃ ધ્યાન રાખજો તમારૂ નકલી ઈન્સ્ટા આઈડી ના બન્યું હોય! અમદાવાદમાં એક જ દિવસમાં 5 ઘટનાઓ