વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે કુદરતી હાજતે ગયેલા યુવાન પર મગરનો હુમલો, પીઠ અને હાથમાં ઈજા પહોંચી


વડોદરાઃ શહેરના વિશ્વામિત્રી કિનારે આવેલા ગણેશનગરના પારસી બીસ્તો પાસે રહેતા એક યુવાન પર મગરે હુમલો કરતા પીઠના ભાગે અને ડાબા જમના હાથે ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબિયત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
યુવાનને પીઠ અને હાથના ભાગે ઈજા
વડોદરા શહેરના વિશ્વામિત્રીના કિનારે પાસે ગણેશનગરમાં લાલાભાઈ પ્રવીણભાઈ ઠાકોર(ઉં.28) રહે છે. તેઓ ગઈકાલે મંગળવારે સાંજે વિશ્વામિત્રી નદી કિનારે કુદરતી હાજતે ગયા હતા. તે વખતે નદી કિનારે બેઠેલા મગરે હુમલો કર્યો હતો. મગરની તરાપમાં તેમના પીઠના ભાગે તથા ડાબા અને જમણા હાથે ઇજાઓ પહોંચી હતી. મગરના દાંતથી ઇજાગ્રસ્ત લાલાભાઇ ઠાકોરને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમની સારવાર હાથ ધરી છે.
માંજલપુર પોલીસ દોડી ગઈ
આ ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.