મહારાષ્ટ્ર પછી હરિયાણામાં પણ બીજેપીના માથે સંકટ; બંને ઠેકાણે તૂટી શકે છે ગઠબંધન
મહારાષ્ટ્રમાં ભાજપ માટે રાજકીય મુશ્કેલીઓ ઉભી થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. જ્યારથી સીએમ એકનાથ શિંદેના પુત્રએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે, ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે શિવસેના અને ભાજપ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. હવે આ અટકળો વચ્ચે હરિયાણામાંથી પણ ભાજપ માટે સંકટના સંકેતો મળી રહ્યા નથી. અહીં દુષ્યંત ચૌટાલાના જેજેપી સાથે ઝઘડાના સમાચાર આવવા લાગ્યા છે. જ્યારથી હરિયાણાના બીજેપી પ્રભારી બિપ્લવ દેવે દુષ્યંત ચૌટાલા પર હુમલો કર્યો છે ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી સમયે મોટી રાજકીય ઉથલપાથલ થઈ શકે છે.
હરિયાણામાં શું ચાલી રહ્યો છે વિવાદ?
વર્તમાન સમયમાં હરિયાણામાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, તેની અસલી સ્ટોરી ઉચાના વિધાનસભા બેઠકથી શરૂ થાય છે જ્યાંથી દુષ્યંત ચૌટાલા હાલમાં ધારાસભ્ય છે. તાજેતરમાં જ બિપ્લવ દેવ હરિયાણાના પ્રવાસે આવ્યા હતા અને 2024ની વિધાનસભા ચૂંટણીમાં ઉચાના વિધાનસભાની સીટ પ્રેમલતાજીને જીતવી પડશે તેવું કહીને જતાં રહ્યાં હતા. હવે વિવાદ એ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રેમલતા ભાજપના ઉમેદવાર હતા, પરંતુ ચૌટાલાએ ઉચાના બેઠક પરથી મોટી જીત નોંધાવી હતી.
આ વખતે ભાજપ આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારવા માંગે છે, આવી સ્થિતિમાં દુષ્યંત ચૌટાલાને મરચી લાગે તે સ્વભાવિક છે. તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે જો કોઈના પેટમાં દુખતું હોય તો તેઓ શું કરી શકે છે, કંઇ તે ડોક્ટર નથી. આ નિવેદન પર બિપ્લવ દેવે કહ્યું કે જેજેપીએ ગઠબંધન કરીને કોઈ ઉપકાર નથી કર્યો. ગઠબંધનના બદલામાં તેમને ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો- શું બ્રિજભૂષણ સિંહ માટે જાટ ફેક્ટરને નજરઅંદાજ કરશે ભાજપ?
CM ખટ્ટરે શું કહ્યું?
હવે આ પરસ્પરના નિવેદનોને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે જેજેપી અને બીજેપી વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યુ નથી. જ્યારે આ પ્રશ્ન સીએમ મનોહર લાલ ખટ્ટરને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું કે પક્ષના હિતમાં શું છે, આ નિર્ણય અસરકારકતા દ્વારા લેવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે ભાજપ-જેજેપી ગઠબંધન ચાલુ છે. અમે ચૂંટણી પછી આ ગઠબંધન કર્યું હતું. જનહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે સમયે જેજેપીની સાથે અનેક અપક્ષોએ પણ સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ પાસે માત્ર 30 ધારાસભ્યો હતા, અમારી પાસે ઘણા લોકોનું સમર્થન હતું.
દુષ્યંતને શાહ કેમ યાદ આવ્યા?
દુષ્યંત ચૌટાલાએ આ નિવેદન પર ભાજપને ગઠબંધનના સમયની પણ યાદ અપાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ગઠબંધન ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં રચાયું હતું. સાથે મળીને સ્થિર સરકાર આપવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ કાલે મન બદલાય તો એ વિશે કશું કહી શકાય નહીં. લોકસભા ચૂંટણીને લઈને દુષ્યંતે કહ્યું છે કે 1 જુલાઈથી સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવશે.