આ શહેરમાં ભિખારીને ભિક્ષા આપનાર સામે નોંધાયો ગુનો, જાણો ક્યાંનો છે ચોંકાવનારો કિસ્સો
ઈન્દોર, 24 જાન્યુઆરી : ઈન્દોર પોલીસે ભારતના સૌથી સ્વચ્છ શહેરમાં ભિખારીને ભિક્ષા આપવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. મધ્યપ્રદેશમાં કદાચ આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. ખંડવા રોડ પર એક મંદિરની સામે બેઠેલી એક મહિલા ભિખારીને ભિક્ષા આપવા બદલ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 223 (જાહેર સેવક દ્વારા જારી કરાયેલ આદેશનો અનાદર) હેઠળ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ભંવરકુઆં પોલીસ સ્ટેશને ભિખારી નાબૂદી ટીમના અધિકારીની ફરિયાદ પર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. BNS કલમ 223 હેઠળ, ગુનેગારને એક વર્ષ સુધીની જેલ અથવા 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્દોરને દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવતા વહીવટીતંત્રે ભિખારીઓ પાસેથી ભિક્ષા લેવા, તેમને ભિક્ષા આપવા અને તેમની પાસેથી કોઈપણ સામાન ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધના ઉલ્લંઘનના કિસ્સામાં એફઆઈઆર નોંધવાની જોગવાઈ કરવામાં આવી છે.
જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે પ્રશાસને ભિખારીઓ વિશે માહિતી આપનારને 1000 રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોને માહિતી આપવા બદલ આ રકમ મળી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે દેશના 10 શહેરોને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ઈન્દોર પણ સામેલ છે.
આ પણ વાંચો :- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી, અમદાવાદ ઝોનમાં 123 જગ્યાઓ ખાલી, આ છે અંતિમ તારીખ