ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ક્રાઈમ રેટ ઘટયો: પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય
- ગુજરાત પોલીસ ટેકનોલોજીથી અપડેટ થયું છે અને વધુ હાઈટેક બન્યું
- ક્રાઈમ કોન્ફરન્સ વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે મળી હતી
- છેલ્લા બે મહિનામાં ગુજરાત પોલીસ સમક્ષ ચાર મોટા પડકાર હતા
દેશના સમૃદ્ધ રાજ્ય ગુજરાતના પોલીસ સેવા દળની મન્થલી ક્રાઈમ કોન્ફરન્સ વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે મળી હતી. રાજ્યમાં કાયદો અને પરિસ્થિતિ તેમજ ગુનાખોરી સંદર્ભમાં રાજ્યના તમામ સી.પી અને રેન્જ આઈ.જી. વચ્ચે વિસ્તૃત ચર્ચા વિચારણાં થઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટયુ છે.
આ પણ વાંચો: અમદાવાદ: 1.25 લાખ મુસાફરોના મેટ્રો કાર્ડ રદ થશે, જાણો શું છે કારણ
ગુજરાત પોલીસ ટેકનોલોજીથી અપડેટ થયું છે અને વધુ હાઈટેક બન્યું
નાઈટ વિઝનવાળા ડ્રોન તેમજ આધુનિક સીસીટીવી વસાવીને ગુજરાત પોલીસ ટેકનોલોજીથી અપડેટ થયું છે અને વધુ હાઈટેક બન્યું છે. તેમ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું છે. ક્રાઈમ કોન્ફરન્સ આટોપ્યા બાદ સાંજે પોલીસ ભવનના પ્રાંગણમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતુ કે, છેલ્લા બે મહિનામાં ગુજરાત પોલીસ સમક્ષ ચાર મોટા પડકાર હતા. ગણેશ વિસર્જન, ભાદરવી પૂનમ, ઈદે મિલાદ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, આ તમામ મોરચે પોલીસે શ્રેષ્ઠ ફરજ અદા કરી છે.
પોક્સોના 43 તેમજ લૂંટ ડકૈતીના 66 બનાવોનો ઘટાડો નોંધાયો
તેમણે ઉમેર્યુ હતુ કે, આજની બેઠકમાં ઓગસ્ટ 2023 અને ઓગસ્ટ 2024 સુધીના ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં હત્યાના 51 બનાવો ઘટયા છે. આ પ્રમાણે હત્યાની કોશીશના 64, શરીર સબંધિત 231, મિલ્કત વિરુધ્ધના 4,287, મહિલા તેમજ બાળકોને લગતાં 313 આ ઉપરાંત પોક્સોના 43 તેમજ લૂંટ ડકૈતીના 66 બનાવોનો ઘટાડો નોંધાયો છે.