રથયાત્રા પૂર્વે અમદાવાદમાંથી ક્રાઇમ બ્રાન્ચે 6 પિસ્તોલ સહિત 526 જીવતા કારતૂસ પકડ્યાં, 3ની ધરપકડ
અમદાવાદઃ રથયાત્રા પૂર્વે શહેરમાંથી ક્રાઈમ બ્રાન્ચે છ પિસ્તોલ અને 526 જીવતા કારતૂસ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં અંગત અદાવતમાં પોતાની સાથે હથિયાર રાખનાર અને વેચાણ માટે લાવેલા હથિયારો લાવેલા હતા. જો કે આખરે હથિયારનો જથ્થો ક્યાં અને કોને મોકલવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
આરોપી મોહંમદ સાજીદ ઉર્ફે લાલો શેખ, મોહમ્મદ મહેબૂબ ઉર્ફે આરીફ શેખ અને મોહમ્મદ ઇદ્રીશ શેખને ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મોહંમદ સાજીદ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ચાર પિસ્તોલ અને 526 જીવતા કારતૂસ કબજે કર્યા છે. ધરપકડ પહેલા પહેલાં અન્ય આરોપી મોહમ્મદ આરીફ અને મોહમ્મદ ઇદ્રીશને બે પિસ્તોલ અને 10 કારતૂસ વેચ્યાં હોવાની હકિકત સામે આવી છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે તેની પણ ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી આ હથિયાર સૌરાષ્ટ્રમાં વેચવાના હોવાનું સામે આવતા પોલીસે સૌરાષ્ટ્રના આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપી મોહમ્મદ સાજીદની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, 2011માં આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યાના ગુનામાં તે જેલમાં હતો. તે સમયે અન્ય આરોપીઓનો સંપર્ક થતા હથિયાર મંગાવ્યા હતા અને આ હથિયાર સૌરાષ્ટ્રમાં બે આરોપીને પહોંચાડવાના હતા. પરંતુ તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે હથિયારોના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. જોકે અમદાવાદના અન્ય બે આરોપી મોહમ્મદ મહેબૂબ અને મોહમ્મદ ઇદ્રીશ પણ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.
ગેંગવોરમાં અન્ય આરોપી હુમલો કરે તેવી શક્યતા હોવાથી હથિયાર ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે આ તમામ હથિયારો મધ્યપ્રદેશથી લાવ્યા હોવાથી મધ્યપ્રદેશના આરોપી અંગે પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. હથિયારોનો જથ્થો મધ્યપ્રદેશથી લાવ્યો હોવાની હકીકત સામે આવી છે. પરંતુ 0.32 બોરના 526 જીવતા કારતુસ ક્યાંથી આવ્યા? તે અંગે તપાસ થઈ રહી છે.