અમદાવાદ, 08 ઓગસ્ટ 2024, ગુજરાતમાં અનેક લોકો વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે. વ્યાજખોરોની ઉઘરાણી અને ત્રાસના કારણે અનેક લોકોની જિંદગી નર્ક સમાન બની ગઈ છે. ત્યારે પોલીસે પણ હવે વ્યાજખોરીની ચૂંગાલમાંથી લોકોને છોડાવવા માટે પોલીસે વ્યાજખોરોની ધરપકડ સુધીની કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે ડિજિટલ વ્યાજખોરોને આજે ઝડપી પાડ્યાં છે. આ બંને આરોપીઓ હજારો નહીં લાખો રૂપિયાના વ્યાજનો હિસાબ રાખે છે અને તેના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે અને કેટલા બાકી છે તેમજ કેટલું વ્યાજ છે તેની દરેક વિગત એક એપ્લિકેશનમાં રાખી મૂકતા હતા. આ આરોપીઓ લારીગલ્લા વાળા પાસે ઉઘરાણી કરી રહ્યા હતા ત્યારે મામલો સામે આવ્યો છે.
લારી ગલ્લાઓ વાળાને ધમકી આપીને પૈસા ઉઘરાવતા પકડાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધેલી ફરિયાદ પ્રમાણે, દાણીલીમડા મેલડી માતાના મંદિર પાસે પોલીસની ટીમ ફરી રહી હતી ત્યારે શહીદ બાકર અલી શેખ અને અન્ય એક યુવાન ગરીબ લારી ગલ્લાઓ વાળા પાસેથી ધમકી આપીને પૈસા ઉઘરાવી રહ્યા હતા. તેવી બાતમી અગાઉથી જ પોલીસને મળી હતી. ત્યાર બાદ પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તેઓ વ્યાજનો ધંધો કરે છે અને રોજેરોજની ઉઘરાણી કરી રહ્યા છે. તેમના મોબાઈલમાંથી એક એપ્લિકેશન મળી આવી હતી. જેમાં અલગ અલગ લોકોના નામ અને રકમ લખી હતી. આરોપી પાસેથી અલગ અલગ આધાર કાર્ડ, લાયસન્સ, પાનકાર્ડ અને અન્ય વસ્તુઓ પણ મળી આવ્યા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે આ એ લોકોના ડોક્યુમેન્ટ છે જેમની પાસેથી તેમણે રૂપિયા લેવાના છે.
ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરી
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ તેની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે 45 લોકો પાસેથી લીધેલા પાંચ લાખ 68 હજાર રૂપિયા વ્યાજના હિસાબના હતા. ક્રાઈમ બ્રાન્ચે બીજા યુવાનની પણ અટકાયત કરી હતી તે પણ વ્યાજનો ધંધો કરતો હતો. આ વ્યક્તિનું નામ અલ્લારખ્ખા અબ્દુલ રશીદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાસે રહે છે. તે પણ અલગ અલગ લોકો પાસેથી વ્યાજની રકમની વસુલાત કરતો હતો તેની પાસેથી પણ અલગ અલગ વસ્તુઓ મળી આવી હતી. તેની પાસે મળેલી એપ્લિકેશનમાં 68 લોકોના નામ હતા તેમજ અંદાજે ચાર લાખ રૂપિયા જેટલી વસુલીની રકમ મળી હતી.ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃજમીન માલિકના હમશકલને દસ્તાવેજ માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જતાં ભાંડો ફૂટ્યો