રાજકોટ ગેમઝોનમાં ક્રિકેટર્સની મોજના વીડિયો વાયરલ, શ્રેયસ અય્યર સહિત 6 ખેલાડી હતા
રાજકોટ, 19 જૂન 2024, શહેરમાં વર્ષ 2021થી કાર્યરત TRP ગેમઝોનની મુલાકાતમાંથી ક્રિકેટરો પણ બાકાત રહ્યા નથી. વર્ષ 2022 દરમિયાન રાજકોટ આવેલા ક્રિકેટર શ્રેયસ અય્યર, અમન ખાન, સાંઇરાજ પાટીલ, શમ્સ મુલાણી સહિત 6 ખેલાડી પણ TRP ગેમઝોનની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં જુદી-જુદી રમતો રમી મજા માણતા નજરે ચડ્યા હતા, જેના વીડિયો હાલ વાયરલ થયાં છે. તેમને આ ગેમઝોન ખાતે કોણ લઈ ગયું હતું એ સવાલ હાલમાં ચર્ચાઈ રહ્યો છે. હાલ આ વીડિયો TRP ગેમ ઝોનના ઈન્સ્ટાગ્રામ પર જોવા મળી રહ્યાં છે.
6 જેટલા ક્રિકેટરોએ TRP ગેમઝોનની મુલાકાત લીધી હતી
રાજકોટ TRP ગેમઝોનમાં ગત 25 મેના રોજ થયેલા અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત નીપજ્યાં બાદ આ ગેમઝોન ગેરકાયદે હોવાનું તંત્રને માલૂમ થયું છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી અધિકારીઓ અને સંચાલકો સહિત 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગેમઝોનમાં લોકોને ખેંચવા માટે સેલિબ્રેટીને પણ લઈ જવાતી હોવાનું સામે આવ્યું છે. જેમાં 2022 દરમિયાન 6 જેટલા ક્રિકેટરે TRP ગેમઝોનની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. તેમને પ્રમોશન માટે લઈ જવાયા હતા કે સામેથી ગયા હતો એની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.
ક્રિકેટરોએ રમેલી 3 જેટલી રમતોના વીડિયો સામે આવ્યા
રાજકોટના TRP ગેમઝોન ખાતે ક્રિકેટર શ્રેયસ અય્યર, અમન ખાન, સાંઇરાજ પાટીલ, શમ્સ મુલાણી, હાર્દિક તોમર, અને સૂર્યાંશ પ્રશાંત સહિત 6 ક્રિકેટરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ક્રિકેટરોએ અલગ અલગ રમત રમી હતી, જે પૈકી 3 જેટલી રમતોના વીડિયો સામે આવ્યા છે અને એમાં ક્રિકેટરો એકસાથે ગેમ રમતા નજરે પડી રહ્યા છે. રાજકોટ TRP ગેમઝોન માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું અને ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મોટો ઘટસ્ફોટ થયો હતો કે આ ગેમઝોન ગેરકાયદે ધમધમતો હતો અને એમાં ફાયર સેફ્ટી ન હતી કે ન કોઈ બાંધકામની પરમિશન હતી.
આ પણ વાંચોઃરાજકોટમાં અગ્નિકાંડ મુ્દે કોંગ્રેસનો વિરોધ, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી