આયરલેન્ડ સામે ભારતની સરળ જીત પરંતુ ચર્ચા ન્યૂયોર્કની પીચની! – જાણો કેમ
6 જૂન, ન્યૂયોર્ક: ગઈકાલે ન્યૂયોર્કના નાસાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને આયરલેન્ડ વચ્ચે ICC T20 World Cupની મેચ રમાઈ હતી. બંને ટીમો માટે આ ટુર્નામેન્ટની તેમની પોતાની પહેલી મેચ હતી. આ મેચમાં ભારતે આયરલેન્ડને સરળતાથી હરાવી દીધું હતું પરંતુ ત્યારબાદ ન્યૂયોર્કની પીચની ચર્ચા વધુ થઇ હતી.
આ જ મેદાન પર શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં પણ પ્રથમ બેટિંગ પસંદ કરનારી ટીમ 100 રન્સ પણ નહોતી બનાવી શકી અને ગઈકાલની મેચમાં પણ આમ જ થયું હતું. આ માટે ન્યૂયોર્કની પીચની આકરી ટીકા પૂર્વ ક્રિકેટરો તેમજ કોમેન્ટેટર્સ કરી રહ્યા છે.
આ ટીકા પાછળનું કારણ એ છે કે આ પીચ પરનો બાઉન્સ અસમાન છે. ક્યારેક બોલ સાવ નીચો રહી જાય છે તો ક્યારેક બોલ અચાનક જ ગુડ લેન્થ પરથી એવો ઉછળે છે કે બેટ્સમેનને ઈજા પણ પહોંચાડી શકે છે. ગઈકાલની મેચમાં રોહિત શર્મા પણ આવા જ એક અસામાન ઉછાળને કારણે ઈજાગ્રસ્ત થયો હતો અને પોતાની બેટિંગ અધવચ્ચે છોડીને પેવેલીયન ભેગો થઇ ગયો હતો.
આ પીચની મેચ દરમ્યાન પણ ટીકા થઇ હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાનો રિકી પોન્ટિંગ અને સ્ટિવ સ્મિથ બંનેએ કટાક્ષમાં કહ્યું હતું કે આ બાઉન્સ જોઇને અમને એક જ વિચાર આવે છે કે 9 તારીખે આ જ મેદાન પર રમાનાર ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં શું થશે?
ગઈકાલે પૂર્વ ઈંગ્લીશ કેપ્ટન કેવિન પીટરસને પીચની ટીકા કરતાં કહ્યું હતું કે બેટ્સમેનોએ અહીં રમતી વખતે ખૂબ સંભાળીને રમવું પડશે નહીં તો ઈજાગ્રસ્ત થશે. તો ભારતના સંજય માંજરેકર અને હર્ષ ભોગલેએ ICCનું આ બાબતે ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે પીચ સુધારવા માટે બને તેટલા પ્રયાસો કરો.
ન્યૂયોર્કમાં રમાઈ રહેલી મેચો માટેની પીચ ઓસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવી છે. આ પીચ ઓસ્ટ્રેલિયામાં જ બની છે અને પછી તેને જહાજ દ્વારા ન્યૂયોર્ક પહોંચાડવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની ડ્રોપ-ઇન પીચોની ઓસ્ટ્રેલિયા માટે નવાઈ નથી. ઓસ્ટ્રેલિયામાં તો ટેસ્ટ મેચો પણ આવી પીચો પર રમાય છે.
પરંતુ આવી પીચોએ ક્યારેય ફરિયાદની તક આપી નથી, બલકે આવી પીચો પર બેટ્સમેન અને બોલર્સ બંનેને સમાન તક મળતી હોવાથી તેઓ આ પ્રકારની પીચો જ પ્રિફર કરતા હોય છે.