14 મે, મેલબર્ન: છેલ્લા ઘણા વર્ષથી IPLની વિકેન્ડ મેચો દરમ્યાન જે શહેરો અને નાના નગરોમાં જ્યાં IPLની એક પણ મેચ નથી રમાતી ત્યાં BCCI દ્વારા Fan Zone ઉભા કરવામાં આવતા હોય છે. આ જગ્યા એવી હોય છે કે જ્યાં વિશાળ સ્ક્રિન પર તમે IPLની મેચો સહકુટુંબ જોઈ શકો છો. અહીં મેચ અગાઉ અને બ્રેક દરમિયાન મનોરંજક કાર્યક્રમોનું આયોજન પણ હોય છે. આટલું જ નહીં બાળકો માટે વિવિધ ગેમ્સ રમવા માટેની વ્યવસ્થા પણ અહીં હોય છે.
આવી સુંદર વ્યવસ્થાની નોંધ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ લીધી છે અને આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચેય ટેસ્ટ દરમ્યાન દેશનાં વિવિધ શહેરોમાં આ જ તર્જ પર Fan Zone ઉભા કરવામાં આવનાર છે.
જો કે સ્ટેડિયમની ટીકીટો હજી સુધી વેંચાવાની શરુ નથી થઇ પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફેન્સને અને ખાસ કરીને ટીમ ઇન્ડિયાના સમર્થકોને વિનંતી કરી છે કે તેઓ એટલીસ્ટ Fan Zonesની ટીકીટ બુક કરી લે. બોર્ડનું કહેવું છે કે આ Fan Zonesમાં ફેન્સ ઢોલ, નગારા, ટ્રમ્પેટ વગેરે લઈને જરૂર આવે જેથી તેમનો અનુભવ યાદગાર બની રહે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દર બે વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયામાં તેમની ક્રિકેટ સિઝનના સમય અનુસાર રમાય છે. 2022માં ઓસ્ટ્રેલિયાની ટીમ આ સિરીઝ રમવા ભારત આવી હતી અને હવે ટીમ ઈન્ડિયાનો વારો છે ઓસ્ટ્રેલિયા જઈને આ સિરીઝ રમવાનો.
અગાઉ આ સિરીઝમાં ચાર ટેસ્ટ હતી જેને વધારીને હવે પાંચ ટેસ્ટ્સની કરી દેવામાં આવી છે. આ વર્ષે 22મી નવેમ્બરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના શહેર પર્થમાં આવેલા ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ 6ઠ્ઠી ડિસેમ્બરે સાઉથ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક એડિલેડ ઓવલમાં બીજી ટેસ્ટ રમાશે જે ડે-નાઈટ ટેસ્ટ રહેશે. 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યમાં આવેલા બ્રિસ્બેન શહેરના વૂલૂન ગાબ્બામાં ત્રીજી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
પરંપરાગત બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે વિક્ટોરિયા રાજ્યના મેલબર્નના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલેકે MCG પર રમાશે અને છેલ્લી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરી 2025ના દિવસે સાઉથ ઓસ્ટ્રેલિયા સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરુ થશે જેને પારંપરિક રીતે પિંક ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
ટીમ ઇન્ડિયા તેના છેલ્લા બે પ્રવાસથી ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હરાવી ચુક્યું છે આથી ભારતના ક્રિકેટ ચાહકો આ વર્ષે ઉત્સાહથી હેટ્રિક થવાની રાહ જોઈ રહ્યા છે.