અમદાવાદ, 06 જૂન 2024, ગુજરાતમાં સાયબર ફ્રોડના અનેક ગુનાઓ નોંધાઈ રહ્યાં છે. મોટી મોટી કંપનીઓના નામે બનાવટી કંપની ઉભી કરીને લોકોને ઠગતાં ઠગોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા અદાણી હેલ્થ વેન્ચર્ચ નામની બનાવટી ફર્મ બનાવીને તેનું માર્કેટિંગ કરી ફાર્મસી ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકોના કરોડો રૂપિયા પડાવનાર ગેંગના ત્રણ આરોપીઓને રાજસ્થાન અને પશ્ચિમ બંગાળથી પકડી પાડવામાં આવ્યાં છે. સોવાન ચોગલે અને શશી સિન્હા હજી પકડથી દૂર છે.
સાયબર ક્રાઈમ દ્વારા આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અદાણી હેલ્થ વેન્ચર્સ લીમીટેડ કંપનીના મેનેજર નેહા રાજબીહારીએ ફરિયાદ કરી હતી કે, AHVL નામની બનાવટી ફર્મ બનાવી અમારી કંપનીના નામનો લોગો તેમજ કંપનીના CIN નંબરનો ઉપયોગ કરી કંપનીના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી કંપનીના નામે જયપુર તથા કોલકતા ખાતે ઓફિસો ખોલીને અદાણી હેલ્થ વેંચર્સ લીમીટેડ તરફથી ફાર્મસી/ડીસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરાઈ રહી છે. આ ફરિયાદનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો હતો.સાયબર ક્રાઈમ દ્વારા આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફાર્મસી/ડીસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને ઠગાઈ આચરતા હતાં
સાયબર ક્રાઈમ દ્વારા જણાવાયું હતું કે, આ ગુનો આચરનાર સૌમ્યજીત ગાંગુલીને રાજસ્થાનથી. રાકેશકુમાર સાવ અને બિપુલ બિસ્વાસને કોલકતાથી સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડી પાડવામાં આવ્યાં છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચીને અદાણી હેલ્થ વેન્ચર્સ નામની બનાવટી ફર્મ બનાવીને આ કંપનીના નામનો લોગો તેમજ કંપનીના CIN નંબર નો ઉપયોગ કરી કંપનીના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જયપુર તથા કોલકતા ખાતે ઓફિસો ખોલીને અદાણી હેલ્થ વેન્ચર્સ લીમીટેડ તરફથી ફાર્મસી/ડીસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હતી.
પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી
આરોપીઓની પુછપરછ કરતા સૌમ્યજીત ગાંગુલીએ રીજીયોનલ સેલ્સ મેનેજર તરીકે ઓળખાણ આપીને કોલકતા, જયપુર,હરીયાણા ખાતે અલગ અલગ લોકોને ફાર્મસી/ડીસ્ટ્રીબ્યુશનશીપ આપી હતી. રાકેશકુમાર સાવ કોલકતા ખાતે આવેલ કંપનીમાં ફેક આધારકાર્ડ, સીમકાર્ડ તેમજ બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતો હતો.બિપુલ બિસ્વાસ કોલકતા ખાતે આવેલ AHVL કંપનીના પ્રોપરાઈટર હોવાનુ બહાર આવ્યું હતું. આરોપીઓ દ્વારા આ ગુનો કર્યો હોવાની કબુલાત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદ: યુવતીઓને વિદેશના વર્ક વિઝાની લાલચ ભારે પડી, રૂ.27 લાખ ગુમાવ્યા