350 વર્ષ જુના શિવલિંગ પર પડી રહી છે તિરાડોઃ કારણ કરશે હેરાન
મુંબઇનુ બાબુલનાથ મંદિર સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સૌથી મહત્ત્વનું કેન્દ્ર છે. આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ શ્રદ્ધા છે. અહીં દેશભરમાંથી ભક્તો માથુ ટેકવવા માટે આવે છે અને ભોલે બાબાના આશીર્વાદ લેવા આવે છે. અહીં સદીઓ પહેલા શિવલિંગની સ્થાપના કરાઇ હતી, પરંતુ કેટલાક દિવસોથી આ મંદિરના શિવલિંગ પર તિરાડો દેખાઇ રહી છે. આ શિવલિંગને થયેલા નુકશાનથી બચવા માટે મંદિર પ્રશાસને આઇઆઇટી-બોમ્બેના નિષ્ણાતોની મદદ માંગી છે.
રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક સમયથી અહીં સતત શિવલિંગ પર તિરાડો દેખાઇ રહી છે. આ શિવલિંગ લગભગ 350 વર્ષ જુનુ છે. શિવલિંગ પર પડી રહેલી તિરાડોને ધ્યાનમાં રાખતા મંદિરના અધિકારીઓએ દુધ, ભસ્મ, ગુલાલ અને જાત જાતના પ્રસાદ ચઢાવવાની મનાઇ ફરમાવી દીધી છે. શિવલિંગ પર અભિષેક માટે માત્ર પાણીની અનુમતિ અપાઇ છે.
મંદિર પ્રશાસને આઇઆઇટી-બોમ્બેના નિષ્ણાતોનો સંપર્ક કર્યા બાદ તે લોકોએ અહીં આવીને આ જગ્યાનું નિરીક્ષણ કર્યુ અને એક પ્રારંભિક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ મિલાવટી પદાર્થોના સતત પ્રભાવથી શિવલિંગને નુકશાન થવાનુ કહે છે. આગામી થોડા દિવસોમાં સંપુર્ણ રિપોર્ટ આવવાની આશા છે.
આઇઆઇટી બોમ્બેના રિપોર્ટની વાત માનીને મંદિર પ્રશાસને એક મહત્ત્વનું પગલુ ભર્યુ છે અને અહીં આસપાસ સામાન વેચનાર લોકોની પુછપરછ કરી છે. આ દરમિયાન જાણવા મળ્યુ કે મંદિરની આસપાસ મિલાવટી દૂધ અને સામાન ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે. મિલાવટી દુધથી અભિષેક કરવાના કારણે આમ થયુ છે. તેથી હવે શ્રદ્ધાળુઓને માત્ર પાણીથી જ શિવલિંગ પર અભિષેક કરવાની પરવાનગી અપાઇ છે. શિવલિંગ પર અન્ય કોઇ પણ વસ્તુ ચઢાવી શકાશે નહીં.
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીની તબિયત બગડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ