ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ પર કડક કાર્યવાહી, કેન્દ્રએ 5 વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો

  • NIAએ શીખ્સ ફોર જસ્ટિસ અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ વિરુદ્ધ અડધા ડઝનથી વધુ કેસ નોંધ્યા છે

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: કેન્દ્ર સરકારે આજે બુધવારે ખાલિસ્તાન તરફી કટ્ટરવાદી ગ્રુપ ‘શીખ્સ ફોર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી 5 વર્ષ માટે લંબાવ્યો છે. આ કાર્યવાહી UAPA હેઠળ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ‘Sikhs for Justice’ (SFJ) અને અમેરિકન નાગરિક ગુરપતવંતસિંહ પન્નુ વિરુદ્ધ અડધા ડઝનથી વધુ કેસ નોંધ્યા છે. ગયા વર્ષે એજન્સીએ પંજાબ અને ચંદીગઢમાં તેની મિલકતો પણ કબજે કરી લીધી હતી. અગાઉ, ભારત સરકારે જુલાઈ 2019માં શીખ્સ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ આ પ્રતિબંધની અવધિ આ વર્ષે લંબાવવામાં આવી છે.

 

2007માં ગુરવંતસિંહ પન્નુએ શીખ્સ ફોર જસ્ટિસની રચના કરી હતી

2007માં, ખાલિસ્તાની આતંકવાદી ગુરવંતસિંહ પન્નુએ શીખ્સ ફોર જસ્ટિસ સંસ્થાની રચના કરી હતી, જેનો ઉદ્દેશ શીખો માટે અલગ દેશની માંગ કરવાનો છે. તેણે સતત ઘણા અલગતાવાદી અભિયાનો ચલાવ્યા, જેમાં પંજાબને ભારતમાંથી અલગ કરવાની વાત કરવામાં આવી હતી, સંગઠને માત્ર પંજાબને જ ભારતથી અલગ કરવાની માંગ કરી હતી, પરંતુ તેણે ક્યારેય પાકિસ્તાન વિશે વાત કરી નથી.

2018માં, શીખ્સ ફોર જસ્ટિસે પંજાબને ભારતથી અલગ કરવા પર જનમત વિશે વાત કરી હતી, જેમાં વિશ્વભરના શીખોને ભાગ લેવાની અપીલ કરવામાં આવી હતી. વર્ષ 2020માં ફરી એકવાર જનમત સંગ્રહ માટે મતદાનની વાત કરવામાં આવી. જેમાં પંજાબ ઉપરાંત કેનેડા, અમેરિકા, યુરોપ, ન્યુઝીલેન્ડ અને તમામ દેશોનો સમાવેશ થાય છે જ્યાં આ શીખ સમુદાય રહે છે. એક વેબસાઈટ બનાવવામાં આવી – રેફરન્ડમ 2020. તે કહે છે કે, જ્યારે શીખો ભારતથી આઝાદી માટે સંમત થશે, ત્યારે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એટલે કે ખાલિસ્તાનને માન્યતા મેળવવાનો પ્રયાસ.

SFJ આતંકવાદીઓને શહીદ કહે છે?

SFJએ સતત તેવા લોકોની છબી ચમકાવવાનું ચાલુ રાખ્યું, જેમણે ઉગ્રવાદી વિચારસરણી સાથે નિર્દોષ લોકોની હત્યા કરી. ઉદાહરણ તરીકે, કેનેડામાં લોકમત માટેના મુખ્ય મથકનું નામ તલવિંદર સિંહ પરમારના નામ પરથી રાખવામાં આવ્યું હતું. શીખ્સ ફોર જસ્ટિસ તેને શહીદ કહે છે, જ્યારે પરમાર 1985ના એર ઈન્ડિયા બોંબ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો. આ વિસ્ફોટમાં 300થી વધુ નિર્દોષો માર્યા ગયા હતા. SFJએ ઈન્દિરા ગાંધીના હત્યારાઓ, બેઅંત સિંહ અને સતવંત સિંહને પણ ઉચ્ચ દરજ્જો આપ્યો. વર્ષ 2020માં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સંગઠનના નેતા ગુરપતવંતસિંહ પન્નુએ ‘શહીદ’ બેઅંત સિંહના સન્માનમાં ખાલિસ્તાનનો ઝંડો ફરકાવનારા લોકોને લેટેસ્ટ આઈફોન આપવાનું વચન આપ્યું હતું.

આ પણ જૂઓ: કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી ઠાર મરાયા

Back to top button