ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

‘મિશન સૌરાષ્ટ્ર’ને સફળ બનાવવા સી.આર. પાટીલ મેદાને

Text To Speech

રાજકોટઃ આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ દરેક પક્ષ પોતાની પાર્ટીને મજબૂત કરવામાં માટે રાજ્યભરમાં યાત્રા, સભાઓ કરી રહ્યા છે ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટ પહોંચ્યા છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન ન જાય એ માટે ભાજપ કમરકસી રહ્યું છે. આગામી 28મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે જસદણના આટકોટ ગામે આવવાના છે. હાલ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ભાજપ અને તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે

પ્રધાનમંત્રીના આગમન પહેલાં તડામાર તૈયારીઓ
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓમાં ભાજપને શાનદાર જીત અપાવવા ખુદ પ્રધાનમંત્રી મોદી મેદાનમાં ઉતર્યાં છે. એ જ કારણ છે કે, પીએમ મોદી એક બાદ એક કાર્યક્રમો થકી પોતાના ગૃહરાજ્ય પર ભાજપની સત્તા યથાવત રાખવા માટે સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. તેથી જ પીએમ મોદીનો આગામી ગુજરાત પ્રવાસ સૌરાષ્ટ્રમાં હોવાથી ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આજે રાજકોટ ખાતે ભાજપના વિવિધ જિલ્લાઓના પ્રમુખો સાથે બેઠકો કરી રહ્યાં છે. ભાજપની પાઠશાળામાં આજે સૌરાષ્ટ્રને ધ્યાને લઈને વિવિધ મિટિંગો અને શિબિરો કરીને પાટીલ કાર્યકરોમાં જોશ ભરી રહ્યાં છે.

પાટીલનું મિશન ‘સૌરાષ્ટ્ર’
પીએમના આગમન પહેલાં પાટીલ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ દ્વારા સી.આર. પાટીલે ફક્ત પક્ષના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં મહત્ત્વપૂર્ણ મેસેજ જાય અને ચૂંટણી પૂર્વે મિશન ‘સૌરાષ્ટ્ર’ને સફળ બનાવવા પાટીલ મેદાને ઉતર્યા છે. રાજ્યના દરેક જિલ્લામાં વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં રોડ શો, કાર્યકર્તા સંમેલન, પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક અને એક જાહેરસભાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત જિલ્લામાં ભાજપના અસંતુષ્ટો અને નિષ્ક્રીય થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે પણ આગામી ચૂંટણીમાં પક્ષના કાર્યક્રમમાં જોડાઇ જાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. પાટીલ વન ડિસ્ટ્રીક્ટ વન ડેનો જે કાર્યક્રમ છે તે હવે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં આગામી સમયમાં યોજવા માટેનું આયોજન કરી રહ્યા છે.

અતિ કુપોષિત બાળકોને દત્તક લઇ તેને સુપોષિત બનાવવાનું અભિયાન શરુ કર્યું

3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા
આજે રાજકોટની મુલાકાત દરમિયાન સી.આર. પાટીલના હસ્તે સુપોષણ અભિયાનની પણ શરુઆત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અતિ કુપોષિત બાળકોને દત્તક લઇ તેને સુપોષિત બનાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. અને જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા છે. મીડિયા સાથેની વાતચીતમાં પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે.આ કાર્યક્રમમાં અંદાજે 2 લાખથી વધુ લોકો ભેગા થવાની શક્યતા છે.

Back to top button