ગુજરાતમાં ચૂંટણીનું વાગ્યું ઢોલ ! આચારસંહિતાના આટલા દિવસ બાકી….
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની મુદ્દત પૂરી થઈ રહી છે એટલે કે ડિસેમ્બર મહિના પહેલાં વિધાનસભાની ચૂંટણી યોજાવાનું નક્કી છે. ત્યારે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચૂંટણીને લઈ મોટું નિવેદન આપ્યું છે.
આચાર સંહિતા લાગુ થવાના માત્ર 60 દિવસ બાકી-પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને સજ્જ રહેવા સૂચના આપી છે. પાટીલે કહ્યું-હવે રાજ્યમાં આચાર સંહિતા લાગુ થવાના માત્ર 60 દિવસ બાકી છે. ત્યારે આપણે કલાક-કલાકના સમય માટે કામ કરીએ છીએ. તો, બીજી તરફ સી.આર.પાટીલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના પણ વખાણ કર્યા હતા અને એક લાખ મતોથી જીતાડવાનું કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીનો ધમધમાટ
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના પ્રવાસે આવેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ બે દિવસના પાટણ જિલ્લાના પ્રવાસે છે. પાટણમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં પક્ષમાં ચાલતા આંતરિક વિખવાદ દુર કરવા સૂચના આપવામાં આવી. સાથે જ વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી. તમામ પ્રકારના આંતરિક મતભેદો દૂર કરી પક્ષ માટે સંગઠિત થઈને કામ કરવા આદેશ અપાયા છે. તેમજ ઉમેદવારને જીતાડવા તમામને મહેનત કરવા સૂચના અપાઈ છે.
ભાજપના વિવિધ હોદ્દેદારો સાથે મંથન
પિયુષ ગોયલની અધ્યક્ષતામાં પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં 7 વિધાનસભા બેઠક માટેની ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં પાટણ જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પિયુષ ગોયલે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રતિનિધિ તેમજ ભાજપના વિવિધ સંઠનાત્મક મોરચા અને સેલના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી.