ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. તમામ પક્ષો એકબીજા પર નિશાન સાધી રહી છે. વાયદા કરી રહી છે. ત્યારે રેવડી કલ્ચર મુદ્દે ગુજરાત રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે રેવડીવાળા વચન આપે છે પરંતુ પુરા કરશે કે નહી તે વિચારતા નથી. આ મફતનું રાજકારણ દેશમાં ખતરો છે. પાટીલે કહ્યું કે દરેક બેઠક 50 હજાર ની લીડ સાથે જીતવી છે. ગુજરાત દેશનું મોડલ છે. કોંગ્રેસ સરકાર બનાવવા તડજોડ કરે છે. પહેલા સરદાર પટેલના સ્થાને નહેરુને પ્રધાનમંત્રી બનાવ્યા હતા. કોરોનામાં વડાપ્રધાન મોદીએ કામ કર્યું. વેક્સિન મફતમાં આપવામાં આવી. તેઓએ રેવડી વેચી નથી પરંતુ વેક્સિન આપીને લોકોના જીવ બચાવ્યા છે.
તો બીજી તરફ સીઆર પાટીલ પર આપ પાર્ટીએ વળતો પ્રહાર કર્યો હતો. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે તમે બીન ગુજરાતી છો, એટલે તમારી માનસિકતા ગુજરાત વિરોધી છે. ફ્રી રેવડી ફ્રી રેવડી કરીને ગુજરાતની પ્રજાની મજાક કરો છો. ગુજરાતની પ્રજાને 300 યુનિટ ફ્રી વીજળી મળે તેમાં તમને કેમ પેટમાં દુઃખે છે. દિલ્હીમાં તમામ સેવા ફ્રીમાં હોવા છતાં દિલ્હી સરકાર પ્લસમાં છે. ગુજરાતમાં એક પણ સેવા ફ્રી નથી છતાં ગુજરાત સરકાર પર દેવું છે.