ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CPMએ ભાજપના નેતાઓને જીવતા દફનાવવા ખાડા ખોદ્યા હતા- CM માણિક સાહા

  • બાતમી મળી હતી કે ભાજપના નેતાઓની હત્યા કરવાની યોજના હતી- CM માણિક સાહા
  • CPMને ભાજપ ફેબ્રુઆરી 2023ની ચૂંટણી જીતશે એ ડર હતો

ત્રિપુરા, 13 ડિસેમ્બર: આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હજુ થોડા મહિના બાકી છે, પરંતુ તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષી પાર્ટીઓ સામે નેતાઓની બયાનબાજી ચાલુ છે. દરમિયાન, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ રાજ્યની વિપક્ષી પાર્ટી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) પર મોટો પ્રહાર કરતા કહ્યું છે કે, પાર્ટીએ 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને કાર્યકરોને જીવતા દફન કરી દેવા માટે જમીન પર ખાડાઓ ખોદ્યા હતા.

સીએમ માણિક સાહાએ રાજ્યના ખોવાઈ જિલ્લાના બજાર કોલોનીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ડાબેરીઓનું ષડયંત્ર નિષ્ફળ ગયું, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પાંચ વર્ષના અંતર પછી ફરીથી અહીં ચૂંટણી જીતી છે. ત્રિપુરામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ભાજપે સતત બીજી વખત ચૂંટણી જીતી હતી.

અમને બાતમી મળી હતીઃ સીએમ સાહા

મુખ્યમંત્રી સાહા 12 ડિસેમ્બર, 1996 ના રોજ વહેલી સવારે NLFT આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મૃત્યુ પામેલા 26 ગ્રામજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખોવાઈ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.  સીપીએમ પર મોટો હુમલો કરતા મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું કે, અમને ગુપ્ત માહિતી મળી હતી કે ભાજપના પસંદગીના નેતાઓની હત્યા માટે ઘણી જગ્યાએ કબરો ખોદવામાં આવી હતી અને તેમને જીવતા દફનાવવાની યોજના બનાવવામાં આવી હતી કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે ફેબ્રુઆરી 2023માં ચૂંટણી જીતવાના છે. પરંતુ અહીંના લોકોએ ભાજપને ચૂંટણીમાં જીત અપાવીને તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી.  જો કે, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ ભાજપ દ્વારા કરવામાં આવેલા આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે બિન-ભાજપ પક્ષો વચ્ચે મતોના વિભાજનને કારણે ભાજપે ચૂંટણી જીતી હતી.

કોંગ્રેસ પર હવે દયા આવે છેઃ સીએમ સાહા

ત્રિપુરામાં સીપીએમએ આતંકવાદી રણનીતિઓને પ્રોત્સાહન આપીને અક્ષમ્ય અપરાધ કર્યો હોવાનો આરોપ લગાવતા, મુખ્યમંત્રી સાહાએ કહ્યું હતું કે, તેમને હવે કોંગ્રેસ માટે દયા આવે છે કારણ કે પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા ડાબેરીઓ સાથે હાથ મિલાવ્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્યમાં ડાબેરી શાસન દરમિયાન કોંગ્રેસને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.

બીજી તરફ સીએમ સાહાના આરોપોને ફગાવતા સીપીએમના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, અમારી પાર્ટી હિંસા કે આતંકવાદી રણનીતિમાં વિશ્વાસ નથી કરતી. ભાજપને ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં લોકપ્રિય જનાદેશ મળ્યો ન હતો કારણ કે તેના ખાતામાં 40 ટકાથી ઓછા મત પડ્યા હતા. મતોના વિભાજનનો ફાયદો ભાજપને મળ્યો અને ચૂંટણી જીતીને સરકાર બનાવી. હવે તેઓ આને લઈને ચિંતિત છે, તેથી જ તેઓએ આવા પાયાવિહોણા આરોપો લગાવ્યા છે.

આ પણ વાંચો, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આજે નવા CM લેશે શપથ, PM મોદી રહેશે હાજર

Back to top button